બાબરા નગરપાલિકા: ભાજપ કાર્યકરોનો પ્રાથમિક સુવિધા મુદ્દે વિરોધ:વોર્ડ 2માં સુવિધાનો અભાવ, પ્રમુખના પતિ વહીવટ કરતા હોવાનો આક્ષેપ

Gujarat5/26/2026, 11:56:50 AM
બાબરા નગરપાલિકા: ભાજપ કાર્યકરોનો પ્રાથમિક સુવિધા મુદ્દે વિરોધ:વોર્ડ 2માં સુવિધાનો અભાવ, પ્રમુખના પતિ વહીવટ કરતા હોવાનો આક્ષેપ
અમરેલી જિલ્લાની બાબરા નગરપાલિકામાં પ્રમુખની વરણીના આઠ દિવસમાં જ વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર 2માં પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ શાસિત નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ વનરાજ વાળા સહિત સ્થાનિક કાર્યકરોએ રજૂઆતો કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે મહિલા પ્રમુખના પોતાના વોર્ડ (વોર્ડ નંબર 2) માં પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે સફાઈ અને સ્ટ્રીટ લાઈટનો અભાવ છે. આ ઉપરાંત, નગરપાલિકાનો વહીવટ મહિલા પ્રમુખના પતિ દ્વારા કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. પૂર્વ પ્રમુખ વનરાજ વાળાએ જણાવ્યું હતું કે, "અમે વોર્ડ નંબર 2માં સફાઈ અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવા આવ્યા છીએ. અહીં સ્ટાફ કોઈ જવાબ આપતો નથી. અમને આશા હતી કે નવી બોડી આવશે તો ફાયદો થશે, પરંતુ એવું થયું નથી. નગરપાલિકામાં પ્રમુખના પ્રતિનિધિ તરીકે પતિઓ હાજર હતા, જ્યારે ચૂંટાયેલા સભ્યોએ હાજર રહેવું જોઈએ." આ મામલે નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ રમેશભાઈ પરવાડીયાએ સ્પષ્ટતા કરી હતી કે, "કોઈ કામ બાકી નથી અને કામગીરી ચાલુ જ છે. અમારા બધા કર્મચારીઓ કામે લાગી ગયા છે. સફાઈ અને સ્ટ્રીટ લાઈટ સહિતના તમામ કામો પ્રગતિમાં છે. અમે દરેકની રજૂઆત સાંભળી રહ્યા છીએ."
Read Original Article →