ફરિયાદ નોંધાઈ:ચલાલામાં મહિલાને હેરાન કરવાના મુદ્દે સમજાવવા જતા યુવાન પર હુમલો
ચલાલા હુડકો સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ કાળુભાઈ સીસણાદા (ઉ.વ.33)એ આપેલી ફરિયાદ મુજબ અતુલ વાઘેલા નામનો શખ્સ અવારનવાર આરતીબેન અજયભાઈ સીસણાદાની પાછળ ફરી મોબાઈલ પર વાત કરવા દબાણ કરી હેરાન-પરેશાન કરતો હોય, આ બાબતે પરિવારજનો દ્વારા ગઈ કાલે રાત્રે આશરે 9:30 વાગ્યે દિલીપભાઈના ઘરે અતુલને સમજાવવા માટે ગયા હતા. તે દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. સમજાવટ દરમિયાન અતુલ, દિલીપ, ભાવેશ વાઘેલા સહિત નવ જેટલા શખ્સોએ ઉશ્કેરણીજનક શબ્દો બોલી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન જગદીશભાઇએ સમાજમાં બદનામી થશે તેમ કહી મામલો શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરતાં અતુલ વધુ ઉશ્કેરાઈ ઘરમાંથી લોખંડનો પાઈપ લાવી તેઓ પર હુમલો કરી દેતા બચાવવા આવેલા અજયભાઈને પણ આડેધડ માર મારવામાં આવ્યો હતો. મારામારી દરમિયાન વચ્ચે પડેલી મહિલાઓ વચ્ચે પણ ઝપાઝપી સર્જાઈ હતી. દેકારો થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. અને આ વખતે તો બચી ગયા છો હવે પછી મારી નાખીશું કહી ધમકી આપી તમામ નવ શખ્સો જતા રહ્યા હતા. હુમલામાં ગંભીર ઇજા થવાના કારણે જગદીશભાઈને પ્રથમ ચલાલા, ત્યારબાદ અમરેલી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ચલાલા પોલીસે અતુલ ચંદુભાઈ વાઘેલા, દિલીપ ચંદુભાઈ વાઘેલા, રાજેશ ઉર્ફે ભાવેશ વાઘેલા, ચંદુ નાથાભાઈ વાઘેલા, બાલુ નાથાભાઈ વાઘેલા, અલ્પાબેન દિલીપભાઈ વાઘેલા, દયાબેન રાજેશભાઈ વાઘેલા, મંજુબેન ચંદુભાઈ વાઘેલા અને રેખાબેન બાલુભાઈ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →