ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:અમરેલીમાં આકરા તાપ વચ્ચે આવકના દાખલામાટે અરજદારો કલાકો સુધી ઊભા રહેવા મજબૂર
અમરેલી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા કાઢાવવા માટે અરજદારોની ભારે ભીડ ઉમટી પડી છે. સવારથી જ લોકો લાંબી લાઇનોમાં ઊભા રહી પોતાનો વારો આવવાની રાહ જોતા જોવા મળ્યા હતા. ભારે ગરમી અને આશરે 44 ડિગ્રી તાપમાન વચ્ચે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલી મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર પર દાખલા કાઢવાની કામગીરી માટે માત્ર એક જ ઓપરેટર હાજર હતા, જ્યારે અન્ય એક ઓપરેટર રજા પર હોવાના કારણે કામગીરી પર સીધી અસર જોવા મળી હતી. એક જ બારી ચાલુ હોવાના કારણે અરજદારોની લાંબી કતારો લાગી ગઈ હતી. સવારથી લાઇનમાં ઊભેલા અનેક અરજદારોનો વારો આવવા નજીક હતો ત્યારે ઓપરેટર જમવા જતાં ફરીથી લોકોને રાહ જોવાની ફરજ પડી હતી. જેના કારણે લોકોમાં રોષ અને અસંતોષનો માહોલ જોવા મળ્યો હતો. અરજદારોએ જણાવ્યું હતું કે તેઓ કામધંધા છોડી માત્ર દાખલા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. તીવ્ર ગરમી વચ્ચે મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકો સાથે આવેલા લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂરતી વ્યવસ્થાના અભાવે અરજદારો હેરાન પરેશાન બન્યા હતા. વધતી ભીડને ધ્યાનમાં રાખી તાત્કાલિક વધુ એક ઓપરેટર મુકવામાં આવે અને એક વધારાની બારી શરૂ કરવામાં આવે તેવી તંત્ર પાસે અરજદારોએ માંગ કરી છે. સવારથી આવ્યા છીએ હજુ સાંજે વારો આવશે
અમે બે દિવસથી ધંધા રોજગાર છોડીને આવકના દાખલા માટે ધક્કા ખાઈએ છીએ, આજે પણ સવારથી આવ્યા છીએ બપોરે વારો નજીક આવ્યો ત્યા જ અરજદારોને કહ્યું જમવાનો ટાઈમ થઈ ગયો છે. બપોર પછી 5:30 કલાકે વારો આવશે. જો બીજી બારી શરૂ કરી દેવામાં આવે તો અરજદારોને પડતી મુશ્કેલીમાંથી રાહત મળે. - નિલેશ બાંભણીયા, અરજદાર
Read Original Article →