તંત્રને આવેદન:સાવરકુંડલામાં આંગણવાડી વર્કર બહેનોએ વસ્તી ગણતરી કામગીરીનો બહિષ્કાર કર્યો
સાવરકુંડલા શહેરની આંગણવાડી વર્કર બહેનો દ્વારા આઇ.સી.ડી.એસ. શાખા તેમજ નગરપાલિકા કચેરી ખાતે વસ્તી ગણતરીની કામગીરીનો બહિષ્કાર કરવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા તેમની સમસ્યાઓ અને વેદનાને ગંભીરતાથી લેવામાં નહીં આવતા નિર્ણય લીધો. સરકારના પરિપત્રમાં આઇ.સી.ડી.એસ. યોજના સિવાયની વધારાની કામગીરી આંગણવાડીની બહેનોને નહીં સોંપવા સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોય તેઓ પર અગાઉથીજ કામગીરીનું અત્યંત ભારણ છે. સાતથી વધુ મોબાઇલ એપ્લિકેશનમાં રોજિંદું કાર્ય કરવાની સાથે કુપોષિત બાળકો, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓ જેવી અતિસંવેદનશીલ સેવાઓ સાથે તેઓ જોડાયેલા છે. આટલી જવાબદારી વચ્ચે વધારાની કામગીરી સોંપવી માનવતાની દૃષ્ટિએ પણ યોગ્ય નથી. તેઓ માનદ વેતન હેઠળ સેવા આપી રહ્યા હોવા છતાં તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ અંગે સરકાર સ્તરે હજુ નિર્ણય પ્રક્રિયા ચાલુ છે. આવી સ્થિતિમાં વધારાના કામના ભારણથી મૂળ આઇ.સી.ડી.એસ. સેવાઓ પર સીધી અસર પડી રહી છે. સરકારના પરિપત્રમાં પણ આઇ.સી.ડી.એસ.ની કામગીરીમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન થાય તે અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકો સાથે સંકળાયેલી આ સેવાઓ અત્યંત સંવેદનશીલ હોવાથી તેમાં અવરોધ ઊભો થાય તે યોગ્ય ન હોવાનું બહેનોએ જણાવ્યું હતું. આ મુદ્દે આજે બહેનોએ સી.ડી.પી.ઓ. જયોત્સનાબહેનને આવેદનપત્ર આપી તેમની સમસ્યાઓને સમજવા તેમજ ભવિષ્યમાં વધારાની કામગીરી ન સોંપવા માટે તંત્ર સમક્ષ માંગણી કરી હતી.
Read Original Article →