આયોજન:અમરેલીનું અનુકંપા ફાઉન્ડેશન 250 વૃદ્ધને સોમનાથ–દ્વારકાની નિઃશુલ્ક યાત્રા કરાવશે

Gujarat4/9/2026, 12:00:00 AM
અમરેલીની સેવાભાવી સંસ્થા અનુકંપા ફાઉન્ડેશન દ્વારા સિનિયર સિટીઝનો માટે સોમનાથ–દ્વારકાની ત્રણ દિવસીય નિઃશુલ્ક તીર્થયાત્રાનું પાંચમું આયોજન તા. 13 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. આ યાત્રામાં 250 વડીલો પાંચ બસોમાં સોમનાથ–દ્વારકા દર્શન માટે રવાના થશે. અમરેલી સ્થિત લોહાણા મહાજનવાડીથી દાનબાપુની જગ્યાના વલકુબાપુ દ્વારા બસોને પ્રસ્થાન કરાવવામાં આવશે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી હકુભા જાડેજા ઉપસ્થિત રહેશે. અમરેલીના ડો. ભરત કાનાબારની રાહબરી હેઠળ કોરોના કાળથી સેવાકાર્યોમાં સક્રિય રહેલી અનુકંપા ફાઉન્ડેશને ગયા વર્ષથી જીલ્લાના વડીલોને નિઃશુલ્ક તીર્થયાત્રા કરાવવાનો અભિયાન શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં ચાર સફળ પ્રવાસો પૂર્ણ થઈ ચૂક્યા છે અને 600 જેટલા સિનિયર સિટીઝનોને આ યાત્રાનો લાભ મળ્યો છે. આ યાત્રા માટે સમાજના દાતાઓ દ્વારા ઉદાર આર્થિક સહકાર પ્રાપ્ત થયો છે. જેમાં અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ તેમના સ્વ. ધર્મપત્નિ મુકતાબેનના સ્મરણાર્થે રૂપિયા 1.11 લાખનું અનુદાન આપ્યું છે. ઉપરાંત જે.પી. સોજીત્રા અને ભાવિનભાઈ સોજીત્રા, એડવોકેટ ઉદયનભાઈ ત્રિવેદી, ઉદ્યોગપતિ ધનજીભાઈ રાખોલીયા, ચકાભાઈ રાજપોપટ તથા રાજુભાઈ કામદાર સહિતના દાતાઓએ પણ યાત્રા માટે આર્થિક સહયોગ આપ્યો છે. યાત્રાના સફળ આયોજન માટે સંસ્થાના કાર્યકરો ભીખુભાઈ અગ્રાવત, મધુભાઈ આજુગીયા અને એડવોકેટ ચેતનભાઈ રાવળના માર્ગદર્શન હેઠળ અનેક સેવાભાવી કાર્યકરો દ્વારા યાત્રિકોના નિવાસ, ભોજન, સંકલન અને વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. યાત્રાને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Read Original Article →