અમરેલીના સૂર્યપ્રતાપગઢની મહિલાઓએ 1,111 શ્રીફળનું કીડીયારું પૂર્યું:શ્રીફળોમાં લોટ, ગોળ, ખાંડ અને તેલનું ખાસ મિશ્રણ ભરાયું; 251 ચકલીઘરનું વિતરણ, ઉત્સવ જેવો માહોલ

Gujarat4/4/2026, 10:32:22 AM
અમરેલીના સૂર્યપ્રતાપગઢની મહિલાઓએ 1,111 શ્રીફળનું કીડીયારું પૂર્યું:શ્રીફળોમાં લોટ, ગોળ, ખાંડ અને તેલનું ખાસ મિશ્રણ ભરાયું; 251 ચકલીઘરનું વિતરણ, ઉત્સવ જેવો માહોલ
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામે જીવદયાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામની મહિલાઓએ એકત્રિત થઈને મૂંગા જીવો પ્રત્યે સંવેદના દાખવી 1,111 શ્રીફળમાં કીડીયારું પૂરવા સહિત 251 ચકલીઘરના વિતરણનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. આ દરમિયાન ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો. 5 દિવસની મહેનત અને વૈજ્ઞાનિક અભિગમ આ સેવાકીય પ્રવૃત્તિ માટે ગામની મહિલાઓએ 5 દિવસ સુધી સખત પરિશ્રમ કર્યો હતો. કુલ 1,111 શ્રીફળોને ડ્રિલ મશીન વડે ચોકસાઈપૂર્વક કાણાં પાડી તૈયાર કરવામાં આવ્યા હતા. કીડીઓના પૌષ્ટિક આહાર માટે આ શ્રીફળોમાં લોટ, ગોળ, ખાંડ અને તેલનું ખાસ મિશ્રણ ભરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલમાં સીમ ભણી પ્રયાણ ભરબપોરે આકરા તાપની પરવા કર્યા વગર સમસ્ત મહિલા શક્તિ ટ્રેક્ટરની લારીમાં શ્રીફળ ભરીને સીમ વિસ્તાર તરફ રવાના થઈ હતી. વાજતે-ગાજતે અને ભક્તિમય ધૂન સાથે નીકળેલી આ યાત્રાએ ધાર્મિક ઉત્સવ જેવો માહોલ સર્જ્યો હતો. ખેતરો અને સીમમાં જ્યાં કીડીઓના દર હતા, ત્યાં આ શ્રીફળો મૂકીને અબોલ જીવોની જઠરાગ્નિ ઠારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ જતન માત્ર જમીન પરના જીવો જ નહીં, પરંતુ આકાશમાં વિહરતા પક્ષીઓની પણ ગ્રામજનોએ ચિંતા કરી છે. લુપ્ત થતી જતી ચકલીઓને આશરો આપવા માટે 251 ચકલીઘર તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ જાળવણીનો મજબૂત સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. "ભારતીય સંસ્કૃતિમાં 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના માત્ર મનુષ્યો પૂરતી સીમિત નથી. કીડીથી લઈને હાથી સુધીના તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખવો એ જ સાચો ધર્મ છે." — પુનિતાબેન, સ્થાનિક અગ્રણી આ ભગીરથ કાર્યમાં ગામના યુવાનો અને વડીલોએ પણ સહયોગ આપ્યો હતો. સૂર્યપ્રતાપગઢની મહિલાઓની આ જીવદયા પ્રેમી પ્રવૃત્તિની હાલ સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
Read Original Article →