શહેરમાં ગૌરવની લાગણી:અમરેલીના શિક્ષકનું સંશોધન પત્ર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રજૂ થયું
અમરેલીની અજમેરા સ્કૂલના અંગ્રેજી વિષયના શિક્ષક, કવિ, લેખક અને પ્રકૃતિવિદ તરીકે ઓળખાતા કેતનભાઈ પ્રવીણચંદ્ર જોશીનું સંશોધન પત્ર તાજેતરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રજૂ થયું હતું. આ કોન્ફરન્સનું આયોજન ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર તથા ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના સંશોધન કાર્યથી શિક્ષણ ક્ષેત્રે તેમજ અમરેલી શહેર માટે ગૌરવની લાગણી વ્યાપી છે. અમરેલી અજમેરા સ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતન જોશી સાહિત્ય ક્ષેત્રે પણ સક્રિય રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં પાંચ પુસ્તકોના લેખક છે તેમજ પાંચ પુસ્તકોનું સંપાદન પણ કરી ચૂક્યા છે. તેમના વાર્તા, લલિત નિબંધ અને આસ્વાદ જેવા સર્જનો ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત સામાયિકો જેમ કે કવિતા, તમન્ના, પરબ, અખંડ આનંદ અને શબ્દસૃષ્ટિમાં સમયાંતરે પ્રકાશિત થતા રહે છે. ઉપરાંત તેમણે ગુજરાતના જાણીતા અખબારોમાં પણ કોલમ લખી છે. તેમજ કેટલાક મેગેઝીનમાં તેઓ સહ-સંપાદક તરીકે કાર્યરત છે. તેઓની શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યકક્ષાએ બે વખત શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો છે. સાથેજ રેડિયો પર યુવવાણી કાર્યક્રમ તેમજ ટેલિવિઝન પર અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. તાજેતરમાં સંસ્કૃત ચિંતન કાર્યક્રમમાં તેમની પસંદગી થઈ હતી અને ફિલ્મ કલાકારો તથા લેખકોની બેઠકનું સફળ સંચાલન પણ તેમણે કર્યું હતું. તેમજ શિક્ષણ અને સાહિત્ય સાથે પ્રકૃતિ પ્રત્યે તેઓનો વિશેષ લગાવ છે. છેલ્લા 15 વર્ષથી તેઓ વિશ્વ સિંહ દિવસના સહ-કોર્ડિનેટર તરીકે કાર્યરત છે તેમજ નેચર કેમ્પોમાં રિસોર્સ પર્સન તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં રાજ્યકક્ષાની વાર્તા લેખન શિબિરમાં પણ તેઓની તજજ્ઞ તરીકે પસંદગી થઈ હતી. તેમના વિવિધ ક્ષેત્રોમાંના યોગદાનથી અમરેલી શહેર તથા સાહિત્ય જગતમાં ગૌરવની લાગણી વ્યાપી છે.
Read Original Article →