અમરેલી SP સંજય ખરાત અરજદારો સાથે સીધો સંવાદ:અરજદારોના સૂચનો અને અભિપ્રાયો ધ્યાનપૂર્વક સાંભળ્યા;પોલીસ કામગીરીની પ્રગતિ તપાસી
અમરેલીના પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાત દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. તેઓ વાર્ષિક નિરીક્ષણ દરમિયાન દરેક પોલીસ સ્ટેશનમાં અરજદારો સાથે રૂબરૂ મુલાકાત કરી, તેમની અરજીઓ અને ફરિયાદો પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે સીધો સંવાદ કરે છે. આ પહેલના ભાગરૂપે, SP સંજય ખરાતે લીલીયા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી હાથ ધરી હતી. આ દરમિયાન, તેમણે કુલ 10 અરજદારો સાથે તેમની અરજીઓ અંગે વ્યક્તિગત સંવાદ કર્યો હતો. તેમણે અરજદારોના સૂચનો અને અભિપ્રાયો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. SP ખરાતે અરજદારો દ્વારા કરવામાં આવેલી અરજીઓમાં તપાસની પ્રગતિ, કરવામાં આવેલી કાર્યવાહી અને વર્તમાન સ્થિતિ અંગે સીધી માહિતી મેળવી હતી. તેમણે તપાસ કરનાર પોલીસ કર્મચારીઓને પણ રૂબરૂ બોલાવી, અરજદારો સમક્ષ તપાસની પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવી હતી તેની વિગતવાર જાણકારી મેળવી હતી. આ 10 અરજીઓમાં અસામાજિક પ્રવૃત્તિઓ, મહિલા અત્યાચાર, મિલકત સંબંધિત વિવાદો અને પારિવારિક સમસ્યાઓ જેવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ થતો હતો. અરજદારોએ તેમની અરજીઓમાં થયેલી તપાસ અને કામગીરી અંગે જિલ્લા પોલીસ વડા સમક્ષ સંતોષ વ્યક્ત કર્યો હતો. SP સંજય ખરાતે સંબંધિત અધિકારીઓને તમામ અરજીઓમાં યોગ્ય, નિષ્પક્ષ અને સમયસર તપાસ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
Read Original Article →