મહિલાને 10 વર્ષ બાદ 11 વીઘા જમીનનો હક મળ્યો:અમરેલી પોલીસ અને વહીવટી તંત્રના સંકલનથી ન્યાય

Gujarat5/27/2026, 3:34:19 AM
મહિલાને 10 વર્ષ બાદ 11 વીઘા જમીનનો હક મળ્યો:અમરેલી પોલીસ અને વહીવટી તંત્રના સંકલનથી ન્યાય
અમરેલી જિલ્લામાં એક મહિલાને 10 વર્ષના સંઘર્ષ બાદ 11 વીઘા જમીનનો વારસાઈ હક પાછો મળ્યો છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને ASP વલય વૈદ્યની મહત્વપૂર્ણ કામગીરી તથા વહીવટી તંત્રના સકારાત્મક સંકલનથી આ શક્ય બન્યું છે. આ ઘટના સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામની છે. વર્ષ 2011માં રક્ષાબેનના સસરાએ વારસાઈ પેઢીનામું બનાવતી વખતે પુત્ર 'નલિનભાઈ'ના બદલે 'લલીતભાઈ' નામ લખવાની ભૂલ કરી હતી. વર્ષ 2015માં નલિનભાઈના અવસાન બાદ, આ નામની ભૂલને કારણે રક્ષાબેન અને તેમના પુત્ર 11 વીઘા જમીનના વારસાઈ હકથી વંચિત રહી ગયા હતા. રક્ષાબેન છેલ્લા 10 વર્ષથી વિવિધ સરકારી કચેરીઓમાં ન્યાય માટે ભટકી રહ્યા હતા. આખરે તેઓ વંડા પોલીસ સ્ટેશન પહોંચ્યા. આ મામલો જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના ધ્યાને આવતા, તેમણે તાત્કાલિક આ કેસ તે સમયે ફરજ બજાવતા IPS વલય વૈદ્યને સોંપ્યો. તેમના સુપરવિઝન હેઠળ, વંડા પોલીસે અરજીને ગંભીરતાથી લઈ બંને પક્ષો વચ્ચે હકારાત્મક મધ્યસ્થી કરાવી અને કાયદેસરની પ્રક્રિયા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. વંડા પોલીસની નિષ્પક્ષ તપાસ અને હકારાત્મક વલણને કારણે, સામે પક્ષના પરિવારજનો પણ નામ સુધારવા માટે સંમત થયા. ત્યારબાદ, જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ રી-અપીલ દાખલ કરવામાં આવી. SP સંજય ખરાત અને અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના શ્રેષ્ઠ સંકલન અને ટીમ વર્કના કારણે, કલેક્ટરે ન્યાયિક હુકમ કર્યો. પરિણામે, રક્ષાબેનને તેમની 11 વીઘા જમીનના વારસાઈના તમામ હકો સત્તાવાર રીતે પરત મળી ગયા. અમરેલી જિલ્લામાં આ પ્રકારનો આ પ્રથમ કેસ નથી. SP સંજય ખરાત દ્વારા વ્યાજ સહિતની અલગ અલગ બાબતોમાં અનેક વર્ષોથી પીડિત લોકોને જમીનો પરત અપાવવાના સકારાત્મક પ્રયાસો કરવામાં આવ્યા છે. આ કામગીરી બદલ રાજ્યના ગૃહમંત્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ અમરેલી પોલીસની પ્રશંસા કરી ચૂક્યા છે. આ કેસમાં વકીલ પરેશભાઈ તળાવીયાએ પણ માનવતા દાખવી રક્ષાબેન પાસેથી કોઈપણ પ્રકારની ફી લીધા વિના નિઃશુલ્ક કાયદાકીય સહાય પૂરી પાડી હતી. આમ, જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી એક પીડિત મહિલાને ઝડપથી ન્યાય મળ્યો, જે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવામાં અમરેલી જિલ્લા પોલીસ તંત્રનું મોટું યોગદાન દર્શાવે છે.
Read Original Article →