અમરેલી નગરપાલિકા ચૂંટણીમાં પારિવારિક જંગ:વોર્ડ નં. 9માં દેરાણી અને જેઠાણી વચ્ચે રાજકીય મહાસંગ્રામ, એક કોંગ્રેસ ઉમેદવાર અને બીજી ભાજપ
સમગ્ર રાજ્યમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉમેદવારી પત્ર ભરાયા બાદ હવે પ્રચારના શ્રીગણેશ થઈ રહ્યા છે, ત્યારે અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આ વખતે ચૂંટણીનો જંગ રોમાંચક બન્યો છે, કારણ કે અહીં જંગ કોઈ પારકા વચ્ચે નહીં પણ એક જ પરિવારના બે સભ્યો વચ્ચે છે. ભાજપ અને કોંગ્રેસમાંથી જેઠાણી-દેરાણી સામસામે
વોર્ડ નંબર 9માં આ વખતે દેરાણી અને જેઠાણી આમને-સામને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપ તરફથી જેઠાણી રેણુકાબેન સોલંકી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસ પક્ષમાંથી તેમના જ દેરાણી કાજલબેન સોલંકી મેદાનમાં છે. એક જ પરિવારની બે મહિલાઓ અલગ-અલગ વિચારધારા સાથે સામસામે આવતા અમરેલીની રાજનીતિ ગરમાઈ છે. સંબંધોની મર્યાદા સાથે વિચારધારાની લડાઈ
ચૂંટણી પ્રચાર દરમિયાન બંને ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે કોંગ્રેસ ઉમેદવાર દેરાણી કાજલબેન સોલંકી વિસ્તારના પાયાના પ્રશ્નો જેવા કે પાણી, ગટર અને સફાઈને મુખ્ય મુદ્દા બનાવી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ વિસ્તાર લાંબા સમયથી વિકાસમાં પછાત રહ્યો છે. જોકે, તેઓ માને છે કે વિચારધારા અલગ હોઈ શકે પણ તેની અસર પારિવારિક સંબંધો પર નહીં પડે. તો ભાજપ ઉમેદવાર જેઠાણી રેણુકાબેન સોલંકી ભાજપ સરકારના વિકાસ કાર્યો અને શાસનની નીતિઓને આગળ ધરીને મત માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ લડાઈ વ્યક્તિગત નથી પરંતુ સંપૂર્ણપણે વિચારધારાની છે, અને જનતા વિકાસને જોઈને તેમને સમર્થન આપશે. સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય
સામાન્ય રીતે ચૂંટણીમાં વિરોધ પક્ષો વચ્ચે આરોપ-પ્રતિઆરોપ થતા હોય છે, પરંતુ અહીં એક જ પરિવારના સભ્યો પ્રતિસ્પર્ધી હોવાથી આ બેઠક આખા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, ચૂંટણીના પરિણામ ગમે તે આવે, જીત તો સોલંકી પરિવારની જ થશે. હવે જોવાનું એ રહેશે કે વોર્ડ નંબર 9 ના મતદારો વિકાસના નેરેટિવ પર ચાલતા જેઠાણીને પસંદ કરે છે કે પરિવર્તનની આશા સાથે મેદાનમાં ઉતરેલા દેરાણીને. આ મુકાબલો સ્થાનિક રાજકારણમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.
Read Original Article →