અમરેલીમાં મ્યુલ એકાઉન્ટ ડ્રાઇવ: 15 ખાતાધારકો સામે ગુનો:સવા કરોડની રકમ ટ્રાન્સફર હોવાનું ખુલ્યું, બેંક ખાતા ભાડે આપનારા 5 આરોપીઓ ઝડપાયા
અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડ રોકવા માટે પોલીસે મ્યુલ એકાઉન્ટ વેરિફિકેશન ડ્રાઇવ હાથ ધરી છે. આ ડ્રાઇવ અંતર્ગત બેંક ખાતા ભાડે આપનારા 15 ખાતાધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસ વડાના સતત મોનિટરિંગ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડ સામે પોલીસનું અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે અમરેલીમાં સાયબર ક્રાઈમ સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ કેસો ઉકેલવા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત 'સમન્વય પોર્ટલ' પર એકથી વધુ ફરિયાદો નોંધાયેલા 35 ખાતાધારકોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, 35માંથી 15 ખાતાધારકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ 15 ખાતાધારકો સામે દેશના વિવિધ રાજ્યોમાં કુલ 54 ફરિયાદો નોંધાયેલી છે. આ ફરિયાદોમાં કુલ અંદાજે રૂ. 70,50,80,249ની છેતરપિંડી નોંધાઈ છે. તેમાંથી સંબંધિત 15 ખાતાઓમાં રૂ. 1,26,61,029ની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ભાર્ગવ રાજુભાઈ જોષી ( રહે. સહજાનંદ પારા-2, અમરેલી), હિતેશ ભિખુભાઈ વાળા ( રહે. માલસિકા, તા. ધારી, જિ. અમરેલી), ગોહિલ જેમ્સ સંજયભાઈ ( રહે. અમરાપરા, બગસરા), પૂજન જીવણભાઈ ધોરીયા ( રહે. સ્વામી વિવેકાનંદ સોસાયટી, બગસરા) અને રાહુલ નથુભાઈ ગમારા ( રહે. અમરેલી રોડ, બાબરા)નો સમાવેશ થાય છે. સાયબર ફ્રોડને રોકવા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા માટે પોલીસ દ્વારા આવી ચકાસણી અને તપાસની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે.
Read Original Article →