શેત્રુંજી નદીમાં વનરાજાનું શાહી સ્નાન:અમરેલીમાં 44 ડિગ્રી તાપમાનથી બચવા સિંહો શેત્રુંજી નદીમાં ઉતર્યા, પાણીમાં કલાકો સુધી રહ્યાં
અમરેલી જિલ્લામાં હાલ સૂર્યનારાયણ આકરા પાણીએ છે અને આકાશમાંથી જાણે આગ વરસી રહી છે. કાળઝાળ ગરમીની આ અસર માત્ર મનુષ્યો પર જ નહીં, પરંતુ વન્યજીવો પર પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં વન્યજીવનનો એક અનોખો નજારો જોવા મળ્યો હતો. શેત્રુંજી નદીમાં સિંહોનું ‘વોટર બાથ’
છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. અસહ્ય ગરમી અને બફારાથી બચવા માટે બે સિંહો ભરબપોરે શેત્રુંજી નદીના પાણીમાં ઉતરી ગયા હતા. ગરમીમાંથી રાહત મેળવવા માટે આ વનરાજો કલાકો સુધી પાણીમાં બેસી રહ્યા હતા. સ્થાનિકોએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પ્રકૃતિ અને વન્યજીવનનો આવો સમન્વય પ્રથમ વખત જોવા મળ્યો છે. અમરેલી પંથક બન્યું ‘અગનભઠ્ઠી’
અમરેલી પંથકમાં ચાલુ ઉનાળાના સૌથી ગરમ દિવસો ચાલી રહ્યા છે. ગઈકાલે શહેરનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું, જેમાં આજે વધારો થઈને પારો 44.3 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આકરા તાપની જનજીવન પર અસર
ઉનાળાની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઓછું હતું, પરંતુ છેલ્લા 20 દિવસમાં ત્રીજી વખત પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. આ ભયંકર હીટવેવને કારણે બપોરના સમયે અમરેલીના રસ્તાઓ સૂમસામ ભાસે છે અને શહેરમાં જાણે સ્વયંભૂ ‘કર્ફ્યુ’ જેવો માહોલ જોવા મળે છે. સવારથી જ સૂર્યના કિરણો આકરા તાપ સાથે તપે છે, જેના કારણે લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. નોંધનીય છે કે દેશમાં સૌથી વધુ સિંહો અમરેલી જિલ્લામાં વસે છે, જેઓ સામાન્ય રીતે જંગલ અને રેવન્યુ વિસ્તારોમાં ફરતા જોવા મળે છે, પરંતુ ગરમીથી બચવા માટે તેમનું આ રીતે નદીમાં ઉતરવું કુતૂહલનો વિષય બન્યો છે.
Read Original Article →