અમરેલીના સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3નાં મોત:લાઠીના કેરાળા ગામ નજીક ખાનગી બસ અને અલ્ટોની ટક્કર, કારનો બુકડો બોલી ગયો
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક રાત્રે એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અલ્ટો કારનો બુકડો બોલી ગયો હતો. કારનો કચ્ચરઘાણ વળ્યો, હાઈવે પર ચક્કાજામ
અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર થયેલી આ ટક્કર એટલી ભયાનક હતી કે અલ્ટો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માત થતાં જ હાઈવે પર સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, જેના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, કારમાં સવાર ત્રણેય લોકોના પ્રાણ પંખેરૂ ઉડી ચૂક્યા હતા. મૃતકોની ઓળખ થઈ
પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકોની ઓળખ થઈ ગઈ છે. મૃત્યુ પામનાર વ્યક્તિઓમાં બેની ઓળખ થઈ છે: જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાટડિયા બાલુબેન ચતુરભાઈ ગઢીયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
લાઠી પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે જાણવા માટે પોલીસે ખાનગી બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે, તેમજ બસમાં સવાર મુસાફરોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →