સિંહ શિકારની શોધમાં ગામમાં ઘૂસ્યા:અમરેલીના કડિયાળી ગામમાં પશુઓમાં અફરાતફરી, CCTV વાયરલ

Gujarat5/25/2026, 11:06:33 AM
સિંહ શિકારની શોધમાં ગામમાં ઘૂસ્યા:અમરેલીના કડિયાળી ગામમાં પશુઓમાં અફરાતફરી, CCTV વાયરલ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં સિંહ શિકારની શોધમાં ઘૂસી આવતા પશુઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અમરેલી જિલ્લામાં સિંહોની વધતી સંખ્યાને કારણે તેઓ વારંવાર માનવ વસાહતોમાં પ્રવેશી શિકાર કરતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. કડિયાળી ગામમાં સિંહ ઘૂસી આવતા પશુઓ પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડધામ કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ગામના સરપંચ સવજીભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગામમાં સિંહોનો દૈનિક પ્રવેશ સામાન્ય બની ગયો છે, જેના કારણે માણસો પર જોખમ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ગામમાં નીકળતા લોકો પાછળ સિંહો દોડે છે અને વનવિભાગને જાણ કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સરપંચે સવાલ ઉઠાવ્યો કે, જો સિંહ ગામના કોઈ વ્યક્તિ પર હુમલો કરશે તો તેની જવાબદારી કોની રહેશે? રાજુલા-જાફરાબાદ પંથકમાં આવેલા રેવન્યુ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે અહીંનું વાતાવરણ તેમને અનુકૂળ આવ્યું છે. જોકે, આના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો વનવિભાગ પાસે આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે.
Read Original Article →