અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી:દક્ષાબેન છોડવડીયા પ્રમુખ, મહાવીરબાપુ ઉપપ્રમુખ તરીકે નિમાયા
અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જીરા ગામના પૂર્વ મહિલા સરપંચ દક્ષાબેન છોડવડીયાને પ્રમુખ પદ સોંપાયું છે, જ્યારે ચલાલા દાનમહારાજની જગ્યાના લઘુમહંત મહાવીરબાપુ ઉપપ્રમુખ બન્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વિવિધ જિલ્લાઓમાં પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા ચાલી રહી છે. આ અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ સમિતિ દ્વારા મેન્ડેટ જાહેર કરાયા બાદ આ નિમણૂકો બિનહરીફ થઈ હતી. પ્રમુખ તરીકે વરાયેલા દક્ષાબેન છોડવડીયા સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની છે. તેઓ અગાઉ ગામના સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે અને ગામમાં મહિલા મંડળો તથા અન્ય સંસ્થાઓ ચલાવે છે. તેમણે ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. દક્ષાબેન છોડવડીયા શેત્રુંજી નદીમાં થતી ખનીજ ચોરીના મુદ્દે અવાજ ઉઠાવવા માટે જાણીતા છે. તેમણે ભૂમાફિયાઓ સામે અનેક વખત મોરચો માંડ્યો છે અને જીરા આસપાસના શેત્રુંજી નદીના પટમાં રેતી ચોરી અંગે વારંવાર અવાજ ઉઠાવ્યો છે. તેઓ લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. ઉપપ્રમુખ તરીકે નિમાયેલા મહાવીરબાપુ ચલાલા દાનમહારાજની જગ્યાના લઘુમહંત છે. તેઓ કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે છે. જિલ્લામાં કાઠી ક્ષત્રિય સમાજના પ્રભુત્વને ધ્યાનમાં રાખીને તેમની નિમણૂક કરવામાં આવી હોવાનું મનાય છે.
Read Original Article →