વિફરેલા ત્રણ શ્વાનોએ 7 વર્ષની બાળકીને ફાડી ખાધી: VIDEO:ગળા-કમરમાં બચકાં ભર્યા; 10 દિ' પહેલાં મોટી દીકરી પર હુમલો કર્યો; લાડકીની લાશ જોતા જ પિતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખાન ખીજડિયા ગામમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રખડતા શ્વાનોના જીવલેણ હુમલામાં એક ૭ વર્ષની માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તંત્ર સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. 3 કૂતરાઓએ બાળકીને ગળા અને કમરના ભાગે બચકાં ભર્યા
મળતી માહિતી મુજબ, ખાન ખીજડિયા ગામમાં મૂળજીભાઈ હિરપરાના ખેતરમાં ખેતમજૂરી કરતા પ્રકાશભાઈ નામના શ્રમિકની દીકરી અંજના (ઉંમર ૭ વર્ષ) પર ત્રણ જેટલા હિંસક રખડતા શ્વાનોએ અચાનક હુમલો કર્યો હતો. જે સમયે આ હુમલો થયો ત્યારે પરિવારના સભ્યો ખેતરમાં તલની કાપણી (તળી વાઢવાનું કામ) કરી રહ્યા હતા. હિંસક બનેલા શ્વાનોએ બાળકીને ગળા અને કમરના ભાગે બચકાં ભરી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. બાળકીની ચીસો સાંભળીને પરિવારજનો દોડી આવે તે પહેલા જ ગંભીર ઈજાઓને કારણે અંજનાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 10 દિવસ પહેલા મોટી દીકરી પર કર્યો હતો હુમલો
આ આઘાતજનક બાબત એ છે કે, આ જ શ્વાનોએ અંદાજે 10 દિવસ પહેલા આ પરિવારની મોટી દીકરી જામબાઈ (ઉંમર ૧૦ વર્ષ) પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. તે સમયે તેને ગંભીર હાલતમાં જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. મોટી દીકરી સારવાર લઈને હજુ માંડ ઘરે પરત ફરી હતી, ત્યાં જ નાની દીકરી પર ફરી હુમલો થતા પરિવારે પોતાની લાડકવાયી ગુમાવી છે. સ્થાનિકો અને ખેડૂતોમાં ભારે આક્રોશ
બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખેત માલિક વજુભાઈ કાળાભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે, "અમારે ત્યાં ત્રણ વર્ષથી આ મજૂર પરિવાર રહે છે. કૂતરાઓએ અગાઉ મોટી બહેનને ઇજા પહોંચાડી હતી અને હવે નાની દીકરીને મોતને ઘાટ ઉતારી છે. હવે અમારે ખેતરમાં કામ કેવી રીતે કરવું? પશુઓ અને મનુષ્યો બંનેના જીવ જોખમમાં છે." ગ્રામજનો અને ખેડૂતોમાં રખડતા શ્વાનોના વધતા આતંક સામે ભારે રોષ છે. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ હિંસક શ્વાનોને પકડીને વિસ્તારથી દૂર ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ બીજી ઘટના ન બને.
Read Original Article →