અમરેલીમાં ચણાની ટેકાના ભાવે ખરીદી માટે માત્ર 2 કેન્દ્રો કાર્યરત:9 કેન્દ્રો બંધ હોવાથી ખેડૂતોમાં વ્યાપક અસંતોષ, ખરીદીની મર્યાદા વધારવાની પણ માંગ
અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જોકે, જિલ્લાના કુલ 11 ખરીદી કેન્દ્રોમાંથી હાલમાં માત્ર બગસરા અને ખાંભા ખાતેના બે કેન્દ્રો જ કાર્યરત છે. બાકીના 9 કેન્દ્રો બંધ હોવાથી ખેડૂતોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા આ 9 કેન્દ્રોને ઝડપથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે બગસરા અને ખાંભા કેન્દ્રો પર લગભગ 50 જેટલા ખેડૂતોને મેસેજ દ્વારા બોલાવી ચણાની ખરીદી કરવામાં આવી હતી. સરકારે ચણાનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ. 1175 નક્કી કર્યો છે, જ્યારે ખુલ્લા બજારમાં ચણાનો ભાવ રૂ. 1000 થી રૂ. 1050 વચ્ચે મળી રહ્યો છે. આથી, ખેડૂતો માટે ટેકાના ભાવે વેચાણ વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. હાલમાં, એક ખેડૂત દીઠ માત્ર 90 મણ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતોમાં નારાજગી છે. ખેડૂતોની માંગ છે કે, ખરીદીની મર્યાદા વધારીને 125 થી 150 મણ સુધી કરવામાં આવે, જેથી તેમને વધુ લાભ મળી શકે. અમરેલી જિલ્લાના રબારીકા ગામના ખેડૂત બાબુ સેંજલીયાએ જણાવ્યું કે, "હું આજે ખાંભા યાર્ડમાં ચણા લઈને આવ્યો છું. 50 ખેડૂતોને બોલાવી રૂ.1175ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. અન્ય યાર્ડમાં પણ સરકાર દ્વારા ખરીદી શરૂ થાય તો ખેડૂતોને વધુ ફાયદો થાય અને મુશ્કેલી ન સર્જાય. અત્યારે વાદળછાયા વાતાવરણ અને માવઠાની સંભાવનાને કારણે ખેડૂતો તાત્કાલિક ખરીદી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે." આ અંગે ખરીદી અધિકારી ભવદીપ સરધારાએ માહિતી આપતા જણાવ્યું કે, "અમરેલી જિલ્લામાં કુલ 11 કેન્દ્રો છે, જેમાંથી ખાંભા અને બગસરા યાર્ડમાં કેન્દ્રો શરૂ કરી દેવાયા છે. આગામી બે-ત્રણ દિવસમાં બાકીના કેન્દ્રો પણ શરૂ થઈ જશે અને બધા ખેડૂતોનો વારો આવી જશે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી."
Read Original Article →