અમરેલીમાં ખેડૂતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યો:બેંકના દેણા અને જમીન વેચવાના વિવાદથી હતાશ થઈ પગલું ભર્યું
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખડખડ ગામમાં એક ખેડૂતે આર્થિક સંકડામણ અને પારિવારિક વિવાદના કારણે આપઘાત કરી લીધો છે. 45 વર્ષીય અશ્વિનભાઈ નાથાભાઈ હિરપરાએ ઝેરી ટીકડા ગળી લેતા તેમને જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પત્ની ચંદ્રિકાબેને વડિયા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અશ્વિનભાઈ છેલ્લા 10 વર્ષથી માનસિક બીમારીની દવા લઈ રહ્યા હતા. તેમને બેંકનું ધિરાણ ભરવાનું હોવાથી સંયુક્ત ખાતાની જમીન વેચવા માટે પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. જોકે, પરિવારજનોએ જમીન વેચવાની ના પાડતા તેમને લાગી આવ્યું હતું. મૃતકના ભાઈ વિજયભાઈ હિરપરાએ આક્ષેપ કર્યો છે કે, અશ્વિનભાઈએ બેંક ઓફ બરોડા (નોયડા શાખા) માંથી ધિરાણ લીધું હતું. છેલ્લા બે વર્ષથી બેંક દ્વારા દિવસમાં બેથી ત્રણ વાર ફોન કરીને હેરાન કરવામાં આવતા હતા. પાક નિષ્ફળ જવાના કારણે આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી અને બેંકના દબાણથી જ તેમના ભાઈએ આ પગલું ભર્યું છે.
Read Original Article →