અમરેલીમાં ₹20.50 કરોડના 641 વિકાસકામોને મંજૂરી:કૃષિમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન બેઠક યોજાઈ

Gujarat5/26/2026, 12:03:28 PM
અમરેલીમાં ₹20.50 કરોડના 641 વિકાસકામોને મંજૂરી:કૃષિમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન બેઠક યોજાઈ
રાજ્યના કૃષિમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટે જિલ્લાના વિકાસને વેગવંતો બનાવવા કુલ ₹20.50 કરોડના ખર્ચે 641 વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. આ બેઠક અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં અમરેલી જિલ્લાના નાગરિકલક્ષી સુખ-સુવિધા અને જનસુખાકારીમાં વધારો કરતા વિવિધ વિકાસકામોને મંજૂરી અપાઈ હતી. ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય હિરા સોલંકી અને મહેશ કસવાલા પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા. જિલ્લા આયોજન વિકેન્દ્રિત અંતર્ગત 15 ટકા વિવેકાધીન તાલુકા કક્ષા અને નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ અંદાજે કુલ ₹20.50 કરોડના ખર્ચના 641 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, 15 ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ તાલુકા કક્ષા અનુસૂચિત જાતિ પેટા યોજના વર્ષ 2026-27 હેઠળ કુલ ₹1.84 કરોડના ખર્ચે 75 વિકાસકામો હાથ ધરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારોમાં વિકાસની નેમને સાકાર કરવા માટે નગરપાલિકા વિવેકાધીન યોજના વર્ષ 2026-27 હેઠળ કુલ 9 નગરપાલિકાના 66 વિકાસકામો માટે અંદાજિત ₹4.55 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની (બક્ષીપંચ) ખાસ પ્લાન યોજના વર્ષ 2026-27 હેઠળ બાબરા, જાફરાબાદ, ખાંભા અને રાજુલા તાલુકાના કુલ 6 વિકાસકાર્યો ₹20 લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ 15 ટકા વિવેકાધીન જોગવાઈ અન્વયે મંજૂર થયેલ તથા ફેરફાર કરવામાં આવેલ કુલ 136 વિકાસકામોને પણ આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
Read Original Article →