ખેડૂતો પર ડીઝલનું સંકટ? 12-12 કલાક સુધી ટ્રેક્ટરોની લાઈનો:સરકાર પર આક્રોશ; ખાતરમાં, નોટબંધીમાં અને હવે ડીઝલ માટે પણ લાઈનો લગાવાની? ફેક્ટરીઓને મળે તો અમને કેમ નહીં?
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, જેને પગલે ધરતીપુત્રોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ પૂરતો જથ્થો ન મળતાં આખરે ખેડૂતોનો સંયમ ખૂટ્યો હતો અને રાજુલા-સાવરકુંડલા રોડ પર ટ્રેક્ટરો આડા ધરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાળઝાળ ગરમીમાં 1 કિલોમીટર લાંબી કતારો, ખેતીકામ ઠપ્પ છેલ્લા પાંચ દિવસથી રાજુલા અને જાફરાબાદ પંથકના ખેડૂતો ડીઝલ માટે દર-દર ભટકી રહ્યા છે. પેટ્રોલ પંપો પર વહેલી સવારના 4 વાગ્યાથી જ ટ્રેક્ટરોની 1-1 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક તરફ જૂન મહિનો નજીક આવી રહ્યો છે અને 15 જૂનથી ચોમાસાનું વિધિવત્ આગમન થવાનું છે, ત્યારે ખેતરોમાં રોટાવેટર ચલાવવા અને પ્રિ-મોન્સૂન કામગીરી કરવા માટે ડીઝલ અત્યંત જરૂરી છે. કાળઝાળ ગરમીમાં ખેડૂતો વિફર્યા બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવા છતાં ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આટલી હાલાકી છતાં પંપ ચાલકો દ્વારા માત્ર 2-2 હજાર રૂપિયાનું મર્યાદિત ડીઝલ આપવામાં આવતું હોવાથી ખેડૂતોની નારાજગી ચરમસીમાએ પહોંચી છે. હાઇવે પર ટ્રેક્ટરો આડા રાખી ચક્કાજામ, તંત્ર સામે સૂત્રોચ્ચાર બુધવારે સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોનો આક્રોશ બેવડાતા તેઓ રાજુલા-સાવરકુંડલા હાઇવે પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો હાઇવેની વચ્ચે આડા ગોઠવી દઈ વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભાવી દીધો હતો. ખેડૂતોએ સરકાર અને સંબંધિત પુરવઠા તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અન્ય મુસાફરો પણ અટવાયા હતા. ‘ખેતી કરવી કે લાઈનમાં ઊભા રહેવું?’ : ખેડૂતોની વેદના આ વિકટ પરિસ્થિતિ અંગે સ્થાનિક ખેડૂતોએ સરકારની નીતિઓ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. મનુભાઈ નકુમ (સ્થાનિક ખેડૂત)એ જણાવ્યું હતું કે, આ સરકારે શું ધાર્યું છે એ જ સમજાતું નથી. ખાતર લેવા જઈએ તો લાઈન, નોટબંધી વખતે લાઈન અને હવે ડીઝલ લેવા માટે પણ લાઈન! અમારે ખેતી ક્યારે કરવી? સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ અને માત્ર બે હજારનું ડીઝલ આપે છે. ટ્રકવાળા ગમે ત્યારે આવે તો આખી ટાંકીઓ ભરી દેવાય છે, તો ખેડૂતોનો શો વાંક? અમે શું ગુનો કર્યો છે? 'ફેક્ટરીઓને મળે તો અમને કેમ નહીં?' વાલજીભાઈ (સ્થાનિક ખેડૂત)એ જણાવ્યું હતું કે, અમને અહીંયા પૂરતું ડીઝલ મળતું નથી. 15 જૂને ચોમાસું બેસી જશે અને હજી અમારે ખેતરો ખેડવાના બાકી છે. ખાનગી કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરોને પૂરતું ડીઝલ મળી રહે છે, તો દેશના અન્નદાતાને કેમ નહીં? સરકાર આ બાબતે ખેડૂતોને ત્વરિત સહયોગ આપે તેવી અમારી માગ છે. અધિકારીએ કહ્યું- ઉચ્ચ કક્ષાએથી પ્રતિક્રિયા મળશે સમગ્ર જિલ્લામાં સર્જાયેલી ડીઝલની કટોકટી અને ખેડૂતોના આક્રોશ અંગે જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક કુંભાણીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ મુદ્દે કંઈ પણ બોલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ અંગે જે કંઈપણ સત્તાવાર પ્રતિક્રિયા હશે તે ઉચ્ચ કક્ષાએથી જ જાહેર કરવામાં આવશે. અધિકારીઓના આવા નકારાત્મક વલણને કારણે ખેડૂતોમાં વહીવટી તંત્ર પ્રત્યે વધુ રોષ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં ડીઝલનો પુરવઠો પૂર્વવત કરવામાં નહીં આવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી સંભાવના છે.
Read Original Article →