અમરેલીમાં ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા વૃક્ષારોપણ:જિલ્લા કલેક્ટરની હાજરીમાં 15 વીઘામાં રોપણ, 4 વર્ષ જતન કરી ગામને સોંપાશે
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લુણસાપુર અને લોઠપુર ગામ વચ્ચે આવેલી કંપની દ્વારા 15 વીઘા જમીનમાં આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં અહીં કુલ 3000 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને તેમનો ઉછેર કરવામાં આવશે. કંપની દ્વારા આ વૃક્ષોનું દૈનિક ધોરણે જતન કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, IAS હર્ષિતા ગોયલ, ધારાસભ્ય હીરા સોલંકી, ગુજરાત બજાર નિયંત્રણ સંઘના પ્રમુખ જીજ્ઞેશ પટેલ, ટીબી ચેરમેન ચેતન શિયાળ સહિત સ્થાનિક સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. કંપની દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી ચાર વર્ષ સુધી આ વૃક્ષોનું જતન કરવામાં આવશે અને તેમનો વિકાસ કરીને ગ્રામ પંચાયતને સોંપવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય ગામને હરિયાળું બનાવવાનો છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે સૌને 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અપીલ કરી હતી.
Read Original Article →