અમરેલી બસપોર્ટ આધુનિક સુવિધાઓ સાથે શહેરની નવી ઓળખ:દૈનિક 10 હજારથી વધુ મુસાફરોનું કેન્દ્ર બન્યું; વેપાર-ધંધાને પ્રોત્સાહન
અમરેલી શહેરમાં આશરે 44.51 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું અત્યાધુનિક બસપોર્ટ દૈનિક 10,690 થી વધુ મુસાફરોની સફરનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આ વિકાસકાર્ય આજે માત્ર પરિવહન કેન્દ્ર જ નહીં, પરંતુ આધુનિક અમરેલીના વિકાસ અને પ્રગતિની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું છે. એક સમયે પરંપરાગત બસ સ્ટેશન તરીકે ઓળખાતું અમરેલીનું પરિવહન કેન્દ્ર હવે આધુનિક બસપોર્ટના રૂપમાં પરિવર્તિત થયું છે. આ બસપોર્ટ 17,095 ચોરસ મીટરના વિશાળ પ્લોટ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં 7719 ચોરસ મીટરનું બસ ટર્મિનલ બાંધકામ છે. મુસાફરોની સુવિધાને કેન્દ્રસ્થાને રાખીને તેનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી ડેપો મેનેજર દવેએ જણાવ્યું હતું કે, આધુનિક બસપોર્ટના નિર્માણથી મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત પરિવહન સેવા ઉપલબ્ધ બની છે. અહીં વિશાળ પ્રતીક્ષાખંડ, સુનિયોજિત બસ બે, પૂરતી પાર્કિંગ સુવિધા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓને કારણે મુસાફરોને આરામદાયક અનુભવ મળે છે. તેમણે ઉમેર્યું કે, અમરેલી બસપોર્ટ પર રાજ્યભરમાંથી દૈનિક 233 એક્સપ્રેસ અને 384 લોકલ બસનું આગમન થાય છે. મુસાફરો માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉપરાંત ટેલિવિઝન પર બસના સમયનું ટ્રેકિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. એસ.ટી.ના વિભાગીય નિયામક બી.ટી. પટેલે માહિતી આપી હતી કે, અમરેલી બસપોર્ટની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ એ છે કે તે દરરોજ સરેરાશ 10,690 થી વધુ મુસાફરોના પરિવહનનું કેન્દ્ર બની ચૂક્યું છે. વિવિધ જિલ્લાઓ અને શહેરો માટેની એક્સપ્રેસ તેમજ લોકલ બસોની સતત અવરજવર થતી હોવાથી હજારો નાગરિકો રોજિંદા મુસાફરી માટે આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. પરિવહન સેવાની વધતી સુલભતા અને ગુણવત્તાએ અમરેલી જિલ્લાની સામાજિક તથા આર્થિક ગતિશીલતામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. આ બસપોર્ટ માત્ર પરિવહન સુવિધા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ શહેરના આર્થિક વિકાસનું પણ કેન્દ્ર બન્યું છે. કોમર્શિયલ સ્પેસના વિકાસથી વેપાર-ધંધાને પ્રોત્સાહન મળ્યું છે, રોજગારીની નવી તકો સર્જાઈ છે અને આસપાસના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. પરિણામે, આ બસપોર્ટ શહેરના વિકાસના નવા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.
Read Original Article →