જાફરાબાદના ભાકોદર નજીક સિંહે યુવાનને ફાડી ખાધો:2 દિવસથી ગુમ યુવાનના માત્ર અવશેષો મળ્યા, વનવિભાગ સામે ગ્રામજનોમાં રોષ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. જાફરાબાદના ભાકોદર ગામ નજીક આવેલી બાવળની ઝાડીઓમાંથી એક યુવાનનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવાન પર સિંહે હુમલો કરી તેને ફાડી ખાધો હોવાની આશંકા વનવિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 2 દિવસથી ગુમ યુવાનના માત્ર અવશેષો જ મળ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, વારાસ્વરૂપ ગામના રહેવાસી ભરતભાઈ મધાભાઇ બારૈયા નામનો યુવાન છેલ્લા બે દિવસથી ગુમ હતો. શોધખોળ દરમિયાન ભાકોદર ગામ નજીક બાવળની કાંટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહના હુમલાના કારણે મૃતદેહની સ્થિતિ એટલી હદે ભયાનક હતી કે શરીરમાં માત્ર ચહેરો જ ઓળખાય તેવી સ્થિતિમાં બચ્યો હતો, જ્યારે બાકીના ભાગના માત્ર અવશેષો જ હાથ લાગ્યા હતા. વનવિભાગ સામે ગ્રામજનોમાં રોષ
આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. વનવિભાગની કથિત બેદરકારી અને પેટ્રોલિંગના અભાવે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરી લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થિતિ વણસતા રાજુલા અને જાફરાબાદ બંને રેન્જના RFO સહિત વનવિભાગનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. લોકોના આક્રોશને શાંત પાડવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે જાફરાબાદ મરીન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડાયો
ઘટનાની ગંભીરતાને જોતા મૃતક યુવાનના દેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, વનવિભાગની એક ખાસ ટીમ દ્વારા હુમલો કરનાર સિંહનું લોકેશન ટ્રેસ કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝન ડીસીએફ ચિરાગ અમીને જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ સિંહના હુમલામાં યુવકનું મોત થયું હોય એવું લાગે છે. હાલ ફોરેન્સિક પીએમ માટે કાર્યવાહી હાથ ધરી છે. સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકીશું. વનવિભાગ પેટ્રોલિંગ વધારે : જિલ્લા પંચાયત સદસ્ય
આ દુખદ ઘટના અંગે જિલ્લા પંચાયત સદસ્ય કરસન ભીલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ભાકોદર ગામે બહુ જ દુખદ બનાવ બન્યો છે. વારાસ્વરૂપ ગામના યુવાનનો મૃતદેહ સિંહે ફાડી ખાધેલી હાલતમાં મળ્યો છે, જેમાં માત્ર ફેસ (ચહેરો) જ દેખાય છે. ઘટનાની જાણ થતાં જ અમે, ભાકોદર અને વારાસ્વરૂપ ગામના સરપંચો તેમજ ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છે." તેમણે વનવિભાગ અને સરકાર સમક્ષ મુખ્ય બે માંગણીઓ મૂકી છે. ભોગ બનનાર ગરીબ પરિવારને સરકાર તરફથી વહેલી તકે યોગ્ય વળતર અને ન્યાય મળે તે માટે DCF અને ACF સાહેબ સાથે સીધી વાતચીત કરવામાં આવી છે. આ વિસ્તારમાં સિંહોની વસ્તી ખૂબ મોટી સંખ્યામાં છે. વનવિભાગ વહેલી તકે અહીં પેટ્રોલિંગ વધારે અને જો સ્ટાફની અછત હોય તો નવી ભરતી કે બદલી કરીને પણ સ્ટાફની ઘટ પૂરી કરે, જેથી ભવિષ્યમાં આવા માનવ મૃત્યુના બનાવો અટકાવી શકાય.
Read Original Article →