આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:મોંઘવારી અને ડીઝલની અછત મુદ્દે રજૂઆત કરી
અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મોંઘવારી અને રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછત મુદ્દે રજૂ કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયાના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોને ભોગવવી પડી રહેલી ગંભીર સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ખાસ કરીને, ખેતીની સિઝનમાં પેટ્રોલ પંપો પર ડીઝલની અછતને કારણે ખેડૂતોના ટ્રેક્ટરો ઠપ્પ થઈ રહ્યા છે, જેનાથી વાવણી પૂર્વે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. આ ઉપરાંત, ખાતરના વધતા ભાવ ખેડૂતો પર આર્થિક બોજ વધારી રહ્યા છે. AAP દ્વારા ખેડૂતો માટે પેટ્રોલ પંપો પર ડીઝલનો વિશેષ ક્વોટા નક્કી કરવા અને ખાતરના વધેલા ભાવ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અંગેની રજૂઆતમાં જણાવાયું હતું કે ડીઝલની અછતને કારણે માલવાહક વાહનો અટવાઈ રહ્યા છે અને સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરોને ભારે નુકસાન થઈ રહ્યું છે. પાર્ટીએ હાઈવે પર આવેલા ઇંધણ સ્ટેશનો પર 24 કલાક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવા તેમજ સપ્લાયમાં થતી કથિત ગેરરીતિ, સંગ્રહખોરી અને કાળાબજારી સામે કડક વિજિલન્સ તપાસની માંગ કરી હતી. અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકુંજ સાવલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ડીઝલની અછત અને વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચના કારણે શાકભાજી, અનાજ, ખાદ્યતેલ અને દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. મોંઘવારીને નિયંત્રિત કરવા માટે ઇંધણ પરનો વેટ (VAT) અને સેસ ઘટાડવાની તેમજ દરેક જિલ્લામાં પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ કાર્યરત કરવાની માંગ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી હતી કે જો સરકાર તાત્કાલિક અને અસરકારક પગલાં નહીં ભરે તો રાજ્યનું અર્થતંત્ર અને સામાન્ય જનજીવન વધુ મુશ્કેલીમાં મુકાઈ જશે. પાર્ટીએ સરકારને જનતાના પ્રશ્નોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી યુદ્ધના ધોરણે ઉકેલ લાવવા અપીલ કરી છે.
Read Original Article →