7 સામે ફરિયાદ નોંધાઈ:દીપડીયા ગામે દિવાલ મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી, 2 મહિલા સહિત 4ને ઇજા
દીપડીયા ખાતે દિવાલ બનાવવાના મુદ્દે બે પડોશી પરિવારો વચ્ચે બોલાચાલી ઉગ્ર બની જતા મારામારી અને ધમકી સુધી મામલો પહોંચ્યો હતો. જેમાં મહિલાઓ સહિત બંને પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત થયાનો બનાવ સામે આવ્યો છે. ગઈ કાલે સવારે આશરે 10 વાગ્યે ગૌતમભાઈ હિંમતભાઈ બારૈયા (ઉ.વ.33)પોતાના ઘરની પાસે નવી દિવાલમાં પાણી પાતાં હતા. તે દરમિયાન પડોશમાં રહેતા બાબુ હકાભાઈ બારૈયા સોમબાઈબેન અને લાલજી બાબુભાઈ બારૈયા સહિતનાએ દિવાલ કાઢી નાખવા જણાવ્યું હતું. ગૌતમભાઈએ દિવાલ પોતાની જગ્યામાં બનાવેલ હોવાનું કહેતા ત્રણે ઉશ્કેરાઈ ગયા હતા. અને ગાળો આપી ઈંટના છૂટા ઘા મારી ગૌતમભાઈને ઇજાગ્રસ્ત કર્યા હતા તેમજ તેઓના પરિવારજનો સાથે માથાકૂટ કરી ઢીકાપાટુ વડે માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ આપી છે. તો સામા પક્ષે બાબુભાઈ હકાભાઈ બારૈયાએ પણ તેમની માલિકીની જગ્યામાં દિવાલ બનાવતા તેઓએ વિરોધ કર્યો હતો. જેથી હિંમત બારૈયા, ગૌતમ બારૈયા, વિક્રમ અને વિમળાબેન ઉશ્કેરાઈ ગયા હતા. અને લોખંડના પાઈપ વડે માથાના ભાગે હુમલો કરી દેતા તેઓને ઇજા પહોંચી હતી. આ હુમલામાં દક્ષાબેન અને વિમળાબેને પણ મુંઢમાર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ આપી છે. પોલીસે બંને ફરિયાદના આધારે બાબુ હકાભાઇ બારૈયા, લાલજી બાબુભાઇ બારૈયા, સોમબાઇબેન બાબુભાઇ બારૈયા, હીંમત બારૈયા ગૌતમ, હીંમતભાઇ , વિક્રમ હીંમતભાઇ અને વીમળાબેન હીંમતભાઇ સહિત કુલ આઠ લોકો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
Read Original Article →