સુવિધા:અમરેલીમાં આધુનિક સંયુક્ત વહીવટી સંકુલ બનશે
અમરેલીમાં 17 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજિસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવી કચેરીઓ કાર્યરત બન્યા બાદ લોકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે અને એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. વર્તમાન સમયમાં વિવિધ વહીવટી સેવાઓ માટે નાગરિકોને અલગ-અલગ કચેરીઓમાં જવું પડતું હોય છે. જેના કારણે સમય અને શ્રમનો વ્યય થતો હોય છે. નવા સંયુક્ત વહીવટી સંકુલના નિર્માણથી જમીન દસ્તાવેજોની નોંધણી, આવક-જાતિ સહિતના પ્રમાણપત્રો, મહેસૂલ સંબંધિત અરજીઓ, જમીન રેકોર્ડ અને અન્ય વહીવટી કામગીરી માટે લોકોને એક જ સ્થળે સુવિધા પ્રાપ્ત થશે. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને વધુ સુલભ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. વિવિધ વહીવટી સેવાઓને એક જ સ્થળે કેન્દ્રિત કરવાથી નાગરિકોને ગુણવત્તાયુક્ત સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે અને સરકાર તમારા દ્વારેની ભાવનાને વધુ બળ મળશે. નવા સંકુલમાં લોકો માટે શું સુવિધા ઉભી કરાશે ?
નવા સંકુલમાં લોકો માટે પ્રા. સુવિધાઓ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ, પાર્કિંગ શેડ, હરિયાળું ગાર્ડન, આધુનિક અગ્નિશમન વ્યવસ્થા તેમજ સુવ્યવસ્થિત પરિસર વિકસાવાશે.
Read Original Article →