કુરિવાજોને તિલાંજલિ આપી જીવદયાનો સંદેશ:સાવરકુંડલાના સદ્દગત આત્માની સ્મૃતિમાં 856 બોટલ નવરત્ન કણથી અબોલ જીવોની સેવા
સાવરકુંડલા શહેરના લોહાણા સમાજના એક પ્રતિષ્ઠિત પરિવારે સદગત આત્માની સ્મૃતિમાં એક અનોખું અને પ્રેરણાદાયી કાર્ય કરીને સમાજ સમક્ષ જીવદયાનો સુંદર સંદેશ આપ્યો છે. પરંપરાગત કુરિવાજો અને આડંબરોમાં ખર્ચ કરવા બદલે આ પરિવારે અબોલ જીવોની સેવા કરવાનો માર્ગ પસંદ કર્યો છે, જે સમગ્ર પંથક માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. સાવરકુંડલા લોહાણા પરિવારમાં થયેલા અવસાન બાદ પાંચમના પારણા નિમિત્તે પરિવારજનો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શુદ્ધ ઘીમાં ઘઉં, બાજરો, ચણાનો લોટ, રવો, સીંગદાણા, તલ અને સાકર જેવી નવ પ્રકારની પૌષ્ટિક સામગ્રી ધીમા તાપે શેકીને નવરત્ન કણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ તૈયાર કણને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચવા અને વેસ્ટેજનો સદુપયોગ કરવા માટે 856 ખાલી પાણીની બોટલોમાં ભરીને વિવિધ કુદરતી સ્થળોએ મૂકવામાં આવ્યા, જેથી કીડી સહિતના અસંખ્ય સૂક્ષ્મ જીવોને આહાર મળી રહે. સામાજિક રિવાજો અને વિધિઓમાં મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય છે, પરંતુ આ લોહાણા પરિવારે તે ખર્ચને જીવદયા માટે વાપરી કીડીને કણ અને હાથીને મણ જેવી કહેવતને સાચા અર્થમાં જીવંત કરી છે. આ પહેલ દ્વારા તેમણે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને અબોલ જીવો પ્રત્યેની કરુણાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે સદગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળે જ્યારે તેમના સ્મરણમાં જીવદયા અને સેવા જેવા કાર્ય કરાઇ. આ કાર્ય દ્વારા મળેલો આત્મિક સંતોષ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે.
Read Original Article →