છેતરપીંડી:ધારીના જીરા ગામના ખેડૂત સાથે પીએમયોજનાના નામે રૂા. 5.99 લાખની ઠગાઈ
ધારી તાલુકાના જીરા ગામના એક વ્યક્તિ સાથે મોબાઈલ હેકિંગ દ્વારા ઓનલાઈન છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ વોટ્સએપ હેક કરીને અને પીએમ યોજનાના નામે APK ફાઈલ ડાઉનલોડ કરાવી બેંક ખાતામાંથી લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ધારી તાલુકાના જીરા ગામના રહેવાસી અને નોકરી કરતા કનુભાઈ જેરામભાઈ નાકરાણી (ઉ.વ.54)એ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.23 ડિસેમ્બર બપોરથી 29 ડિસેમ્બર સાંજ દરમિયાન અજાણ્યા કોઈ શખ્સોએ તેમના મોબાઈલ ફોનમાં રહેલી વોટ્સએપ એપ્લિકેશન હેક કરી હતી. તેઓએ વોટ્સએપ મારફતે પીએમ યોજના નામની APK ફાઈલ ડાઉનલોડ કરાવી તેને મોબાઈલમાં બેકગ્રાઉન્ડમાં ચાલુ રાખી હતી. ત્યારબાદ કનુભાઈના મોબાઈલમાં આવતા તમામ ટેક્સ્ટ મેસેજ અને OTP મેસેજ પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા હતા. બાદ અજાણ્યા શખ્સો દ્વારા બેંકની એપ્લિકેશન મારફતે રૂપિયા 5,04,000ની લોન મંજુર કરાવી હતી. લોનની રકમ તેમજ ખાતામાં રહેલી અન્ય રકમ મળીને કુલ રૂપિયા 5,99,990 ત્રણ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવામાં આવી હતી. આ અંગે ધરી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →