છેતરપીંડી:લોનની લાલચમાં ટીંબીના વેપારી સાથે 1.55 લાખની ઓનલાઈન છેતરપિંડી
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રહેતા એક વેપારી સાથે સસ્તી લોન આપવાના બહાને ઓનલાઈન છેતરપીંડી થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા મોબાઇલ નંબર ધારકોએ ખાનગી ફાઇનાન્સ કંપનીના નામે વિશ્વાસમાં લઇ અલગ અલગ ચાર્જના બહાને કુલ રૂપિયા 1,55,469 પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. જાફરાબાદના ટીંબી, ભાડા રોડ પર ઈન્દીરા આવાસ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ભાણાભાઈ પરમાર (ઉ.વ.37) ને 3 માર્ચથી 10 માર્ચ દરમિયાન અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારાએ પોતે યશ ફાઇનાન્સમાંથી ભાવિકાબેન બોલતી હોવાનું કહી ઓછા વ્યાજદરમાં લોન મળશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અન્ય નંબર પરથી વોટ્સએપ મેસેજ અને વોઇસ કોલ કરી પાંચ લાખની લોન મંજૂર થશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. આ દરમિયાન આરોપીઓએ લોન ફાઈલ ચાર્જ, ફિક્સ ડિપોઝિટ, ઇન્સ્યોરન્સ, લોન કમિશન, બેંક ચાર્જ અને NOC ચાર્જ જેવા અલગ અલગ બહાના બનાવી ફરિયાદી પાસેથી વિવિધ UPI ID અને બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. ભરતભાઈ પાસેથી 6 માર્ચથી 10 માર્ચ વચ્ચે કુલ રૂપિયા 1,55,469 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ આરોપીઓએ ફોન બંધ કરી દીધો હતો અને લોન પણ આપી ન હતી. આ અંગે ભરતભાઈ પરમારે ગઈ કાલે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો. આમ, જિલ્લામાં વધુ એક વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે.
Read Original Article →