કામોને લીલી ઝંડી:અમરેલીમાં રૂ. 20.50 કરોડના 641 વિકાસકામને મંજૂરી

Gujarat5/28/2026, 12:00:00 AM
કામોને લીલી ઝંડી:અમરેલીમાં રૂ. 20.50 કરોડના 641 વિકાસકામને મંજૂરી
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. બેઠક દરમિયાન જિલ્લાના વિકાસકામોને વધુ ગતિ આપવા વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાના કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા આયોજન વિકેન્દ્રિત યોજના અંતર્ગત તાલુકા કક્ષા અને નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ અંદાજે રૂપિયા 20.50 કરોડના કુલ 641 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ રૂપિયા 1.84 કરોડના ખર્ચે 75 વિકાસકામો હાથ ધરાશે. નગરપાલિકા વિસ્તારોમાં સુવિધાઓ મજબૂત બનાવવા માટે વર્ષ 2026-27ની નગરપાલિકા વિવેકાધીન યોજના હેઠળ 9 નગરપાલિકાના કુલ 66 વિકાસકાર્યો માટે અંદાજે રૂપિયા 4.50 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની ખાસ પ્લાન યોજના હેઠળ બાબરા, જાફરાબાદ, ખાંભા અને રાજુલા તાલુકામાં રૂપિયા 20 લાખના ખર્ચે કુલ 6 વિકાસકામો હાથ ધરાશે. તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ અમરેલી જિલ્લાને અગાઉ રૂ. 49.25 કરોડની ગ્રાંટ મળતી હતી, જે નાણાકીય વર્ષ 2026-27થી વધારીને રૂપિયા 66.75 કરોડ કરવામાં આવી છે. આમ જિલ્લામાં મળતી ગ્રાંટમાં આશરે 35.53 ટકા જેટલો વધારો નોંધાયો છે. રાજ્યના 33 જિલ્લાઓમાં અમરેલી જિલ્લાએ વર્ષ 2025-26 દરમિયાન 100 ટકા ગ્રાંટ ઉપયોગની સિદ્ધિ હાંસલ કરી અગ્રેસર સ્થાન મેળવ્યું છે. પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ એ ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ અટકેલા વિકાસકામોને વેગ આપવા અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લાની વિકાસયાત્રાને વધુ અસરકારક બનાવવા માટે વિભાગો વચ્ચે સંકલન વધારવા પણ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
Read Original Article →