ફરિયાદ:વારાહ સ્વરૂપ ગામના યુવાનને અવાવરૂ જગ્યાએ બોલાવી બિભત્સ વીડિયો ઉતારી 5 શખ્સે 5 લાખની ખંડણી માંગી
જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામમાં એક યુવકને રાત્રીના સમયે હિંડોરણા નજીક અવાવરૂ જગ્યાએ બોલાવી 5 શખ્સોએ બેફામ માર મારી બિભત્સ વિડીયો ઉતારી 5 લાખની ખંડણી માંગ્યાની તથા રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના રાજુલા તાલુકાના હિંડોરણા ગામની સીમમાં ગઈકાલે રાત્રીના સમયે બની હતી. જાફરાબાદના વારાસ્વરૂપ ગામે રહેતા રોનકદાસ ભરતદાસ મેસવાણીયા (ઉ.વ.21) નામના યુવાને આ બારામાં હિંડોરણાના કરણ દંતુ પટાટ, રાજુલાની સમીનાબેન સેલોત, જીતુ રાઘવ ચૌહાણ અને બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે કરણ પટાટે તેને રાત્રીના સમયે ફોન કરી હિંડોરણા બોલાવ્યો હતો. જ્યા બાકીના શખ્સો અગાઉથી હાજર હતા. આ શખ્સોએ તેને બાવળની કાંટમાં લઈ જઈ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. તેને લાકડી વડે પણ માર મારી તેનું પેન્ટ ઉતારી બિભત્સ વિડીયો ઉતાર્યો હતો અને બાદમાં તેના ખીચ્ચામાંથી રૂપિયા 1950ની રોકડ રકમની લૂંટ કરી લીધી હતી અને બાદમાં રૂપિયા 5 લાખની ખંડણી માંગી હતી. જતા જતા પણ આ શખ્સોએ તેને ધમકી આપી નવા મોબાઈલની લૂંટ કરી હતી. જે અંગે તેણે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. દુષ્કર્મના કેસમાં ફીટ કરવાની ધમકી પાંચેય શખ્સોએ જો રૂપિયા 5 લાખની ખંડણી નહી આપે તો દુષ્કર્મના કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી. ઉપરાંત એટીએમમાંથી રૂપિયા 1 લાખ ઉપાડવા માટે તેને બાઈક લઈને જવા દીધો હતો અને તે વખતે કોઈને વાત કરીશ તો વિડીયો વાઈરલ કરીશું તેવી ધમકી આપી હતી. જો કે યુવાન સીધો પોલીસ મથકે પહોંચ્યો હતો.
Read Original Article →