અમરેલી:196માંથી 47 કર્મીએ વસતિ ગણતરીની કામગીરી શરૂ જ ન કરી : તમામને નોટિસ પાઠવાઈ

Gujarat6/9/2026, 12:00:00 AM
અમરેલી જિલ્લામાં વસતિ ગણતરીનું કામ શરૂ થઈ ગયું છે. અમરેલી શહેરમાં પણ પહેલી તારીખથી વસતિ ગણતરી શરૂ થાય તે પહેલા તમામ કર્મચારીઓને જરૂરી તાલીમ આપવામાં આવી હતી. પરંતુ શહેરના 196 ગણતરીકારોમાંથી 47 ગણતરીકારોએ પોતાનું કામ જ શરૂ ન કરતા આજે ચીફ ઓફિસર દ્વારા તમામને નોટિસ ફટકારવામાં આવી હતી. વસ્તી ગણતરીનું કામ એ રાષ્ટ્રીય કામગીરી છે અને આ કામગીરીનો ઇનકાર કરનાર કે કામ નહીં કરનાર સામે કાનૂની પગલા પણ લેવાઈ શકે છે, પરંતુ અમરેલી શહેરમાં કેટલાક પેધી ગયેલા કર્મચારીઓ રાષ્ટ્રીય કામગીરીમાં પણ પોલમપોલ ચલાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં વસ્તી ગણતરીનું કામ ગત પહેલી તારીખથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અમરેલી શહેરમાં પણ વસ્તી ગણતરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. અમરેલી શહેરમાં વસ્તી ગણતરી માટે 196 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે જે પૈકી મોટાભાગના કર્મચારીઓએ પહેલી તારીખથી જ કામ શરૂ કરી દીધું છે. જો કે 47 કર્મચારી એવા છે કે આટલા દિવસ વિતવા છતાં વસ્તી ગણતરીના કામના નામે તેમણે કોઈ જ કામગીરી કરી નથી. આ કામગીરી ઓનલાઈન થઈ રહી છે. જેથી પોર્ટલ પર ઉપરથી પણ તેનો રિવ્યુ થઈ રહ્યો છે. આ વાતની જાણકારી હોવા છતાં જુદાજુદા ખાતાના આ પેધી ગયેલા કર્મચારીઓએ પોતાની કામગીરીનો આરંભ કર્યો નથી. જેના પગલે આજે અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડે આ તમામ કર્મચારીઓને નોટિસ ફટકારી છે. અને સમય મર્યાદામાં ખુલાસો પૂછ્યો છે. જનગણના અધિનિયમ 1948 તેમજ 1990ના નિયમોનું ઉલ્લઘન કરી સમય મર્યાદાના કામની ગંભીરતાની અવગણના કરનારને કલમ 11 તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 222 અને 223 હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી કરવા અંગેની 47 ગણતરીદારોને નોટિસો ફટકારવામા આવેલ હતી. નોટિસના જવાબ બાદ આ કર્મચારીઓ સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં કેટલાક કર્મચારીઓ તેમને જ્યારે પણ કોઈ કામગીરી સોંપવામાં આવે ત્યારે તેનો વિરોધ કરે છે અને આવા કર્મચારીઓએ આટલા દિવસ વિતવા થતા વસ્તી ગણતરી જેવા મહત્વના કામનો આરંભ કર્યો નથી. નોંધનીય છે કે આ વસતી ગણતરી ખરેખર તો કોરોના કાળમાં કરવાની હતી પરંતુ તે સમયે મહામારીના કારણે મુલત્વી રખાઈ હતી. જે હાલમાં શરૂ કરાય છે. ચીફ ઓફિસરે કહ્યું કે, નોટિસનો જવાબ આવ્યા બાદ પગલાં લઈશું હાલમાં પહેલી તારીખથી પોતાનું કામ શરૂ નહીં કરનાર 47 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. તેમનો જવાબ આપ્યા બાદ તેમની સામે કાયદેસરના પગલાં લેવાશે.> વિનોદ રાઠોડ, ચીફ ઓફિસર, અમરેલી નગરપાલિકા કર્મીઓ ચાલુ ફરજે પણ વસતી‎ ગણતરીનું કામ કરી શકે છે‎ જે કર્મચારીઓને વસ્તી ગણતરીના કામે લગાડવામાં આવ્યા‎ છે તે કર્મચારીઓ પોતાની ચાલુ ફરજના સમયગાળા‎ દરમિયાન પણ વસ્તી ગણતરીનું કામ કરી શકે છે. જેથી તેમને‎ અલગથી વધારાનો સમય ફાળવવો પડે તેમ નથી.‎ તાલીમ બાદ તમામના ઓર્ડર નીકળ્યા હતા અમરેલીમાં રોકાયેલા 196 વસ્તી ગણતરીકારોને અગાઉ તાલીમ આપવામાં આવી હતી. અને કઈ રીતે વસ્તી ગણતરી કરવાની છે તેની સમજ અપાય હતી. ત્યારબાદ તેમના નામના ઓર્ડર નીકળ્યા હતા.
Read Original Article →