આજે ફરી માવઠાની આગાહી:કેરીનો 40 % પાક બચ્યો છે હવે તેના પર પણ ખતરાથી ખેડૂત ચિંતાતુર
અમરેલી જિલ્લામાં કેસર કેરીની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. અમરેલી તાલુકા ઉપરાંત ધારી, ખાંભા, સાવરકુંડલા અને જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ પ્રમાણમાં કેસર કેરીની ખેતી થાય છે. ધારી તાલુકાને તો કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. જો કે પાછલા કેટલાક વર્ષોથી દર ઉનાળામાં માવઠું કેરીના પાકને નુકશાન કરી જાય છે. ચાલુ સાલે પણ આવું જ થયું છે. અગાઉ બે વખત માવઠું થયા બાદ વધુ એક માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આવતીકાલે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચાલુ ઉનાળામાં પ્રથમ માવઠામાં જ અતિ ભારે પવન સાથે થયેલા કમોસમી વરસાદથી અનેક વિસ્તારમાં કેરીનો 60 ટકા જેટલો પાક ખરી ગયો હતો. જ્યારે કેટલાક વિસ્તારમાં માત્ર થોડુ નુકશાન થયું હતું. આંબામાં માત્ર 40 ટકા પાક છે. આવતીકાલની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. બીજી તરફ વાદળછાંયુ વાતાવરણ અને સંભવીત વરસાદની સ્થિતિને લઈને પાકને નુકશાન થવાની શક્યતા હોવાથી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આગોતરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોને માવઠાની સ્થિતિમાં માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચાણ માટે લાવવાનું ટાળવા અથવા સંપૂર્ણ સુરક્ષા સાથે લાવવાની સૂચના આપવામાં આવી છે. આ અંગે જરૂર પડે તો ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક વિગેરેનો સંપર્ક કરવાનો અનુરોધ કરાયો છે. બીજી તરફ આજે અમરેલીમાં આખો દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહ્યું હતું. મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી હતું. પરંતુ બફારો વધુ અનુભવાતો હતો. આકાશમાં આખો દિવસ છૂટાછવાયા વાદળો નજરે પડ્યા હતા. ખેડૂતને માલ ઢાંકીને લાવવા સાવરકુંડલા યાર્ડની સૂચના
માવઠાની સ્થિતિને પગલે સાવરકુંડલા યાર્ડ દ્વારા દરેક ખેડૂતને પોતાનો માલ વાહનમાં તાલપત્રી અને પ્લાસ્ટિકથી ઢાંકીને જ લાવવા અનુરોધ કરાયો છે. ઉપરાંત શેડમાં જગ્યા હશે ત્યા સુધી જ વાહનોને ઉભા રહેવા દેવાશે તેમ જણાવાયું છે. દવા અને ખાતરનો ઉપયોગ ટાળવા અનુરોધ
જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા માવઠાની સ્થિતિમાં ખેડૂતોને જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવા તથા ખાતર બિયારણનો જથ્થો પલળે નહી તે રીતે સુરક્ષીત રાખવા તથા તૈયાર પાકના ઢગલાને માટીના પાળા બનાવી તથા ઉપર પ્લાસ્ટિક ઢાંકી સુરક્ષીત કરવા અનુરોધ કરાયો છે.
Read Original Article →