સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પાલિકા પંચાયતની 408 સીટ પણ ત્રણેય મુખ્ય પક્ષના 3640 દાવેદારો
અમરેલી જિલ્લામાં 6 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાનો દિવસ નજીક આવી રહ્યો છે. ત્યારે ત્રણેય મુખ્ય પક્ષો છેલ્લી ઘટી સુધી દાવેદારોને સાંભળવા મથી રહ્યા છે. આજે સાંજ સુધીમાં ત્રણ મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી કુલ 408 સીટ માટે 3640 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. અમરેલી જિલ્લામાં પાલિકા અને પંચાયતની ચૂંટણી લડવા માટે દાવેદારોએ ધસારો કરી મુક્યો છે. અમરેલી જિલ્લામાં 11 તાલુકા પંચાયતની 190 સીટ છે. જ્યારે જિલ્લા પંચાયતની 34 સીટ છે. આ ઉપરાંત 6 નગરપાલિકાના 46 વોર્ડની 184 સીટ છે. આમ પાલિકા અને પંચાયત મળી કુલ 408 સીટ માટે ચૂંટણી યોજાવાની છે. 6 થી તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. તે પૂર્વે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોને સાંભળવાની મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. સૌથી વધુ દાવેદારો ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર આવ્યા છે. સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થતા પાલિકા, પંચાયતની તમામ સીટો માટે કુલ 1680 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગીનું મોટાભાગનું કામ પણ આટોપી લેવાયું હોવાનું કહેવાય છે. જેને પગલે આગામી 24 કલાકમાં ઉમેદવારોને ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આવી જ રીતે કોંગ્રેસમાંથી કુલ 1400 દાવેદારો સામે આવ્યા હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. કોંગ્રેસે પણ મોટાભાગના નામો ફાઈનલ કરી લીધા છે. આમ છતાં કોઈ વિખવાદ ન થાય તે માટે આજે બગસરા શહેર માટે ફરી સેન્સ લેવામાં આવી હતી અને આવતિકાલે અમરેલી વિધાનસભા વિસ્તારમાં પણ બીજીવાર ઉમેદવારોને સાંભળવામાં આવશે. દરમિયાન સૂત્રોમાંથી મળતી વિગત મૂજબ કોંગ્રેસના 90 ટકા ઉમેદવારો ફાઈનલ થયા છે. આમ આદમી પાર્ટીમાંથી કુલ 560 લોકોએ પાલિકા અને પંચાયતમાં દાવેદારી કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે ઉમેદવારોનું બીજુ લીસ્ટ જાહેર કરાશે. ત્રણ મુખ્ય પક્ષોમાંથી જ કુલ 3640 દાવેદાર સામે આવ્યા છે. આ ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારી માટે તૈયારી કરી રહેલા લોકોની સંખ્યા જોતા મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાઈ તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ 135 નામ જાહેર કર્યા
આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું પહેલું લીસ્ટ જાહેર કરાયું તેમાં 135 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. આવતીકાલે બીજી યાદી જાહેર કરાશે. જેને પગલે કુલ 330 થી વધુ નામ જાહેર થઈ જશે. ભાજપમાંથી અમરેલી પાલિકા માટે 195 દાવેદાર
અમરેલી નગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા 195 લોકોએ દાવેદારી નોંધાવી છે. અહીં 11 વોર્ડની 44 સીટ છે. એકંદરે એક સીટ માટે સરેરાશ 4 લોકોની દાવેદારી થઈ છે. જિલ્લા પંચાયતની 34 સીટમાટે ભાજપના 130 દાવેદાર
અમરેલી જિલ્લાની 34 સીટ માટે સૌથી વધુ દાવેદારો પણ ભાજપમાંજોવા મળી રહ્યા છે. ભાજપમાંથી 130 લોકોએ દાવેદારી કરી છે.જ્યારે કોંગ્રેસમાંથી અમરેલી વિધાનસભા વિસ્તારની 4 સીટ માટેમામલો ગુચવાયો છે.
Read Original Article →