આસપાસના 12‎ ગામને ફાયદો થશે‎:સુરજવડી અને શેલ દેદુમલ ડેમમાંથી માટી કાઢીને જળ સંચયનું કાર્ય શરૂ

Gujarat5/16/2026, 12:00:00 AM
આસપાસના 12‎ ગામને ફાયદો થશે‎:સુરજવડી અને શેલ દેદુમલ ડેમમાંથી માટી કાઢીને જળ સંચયનું કાર્ય શરૂ
સાવરકુંડલા તાલુકાના સુરજવડી ડેમ તેમજ શેલડેડુમલ ડેમ ખાતે ડિસિલ્ટિંગ તથા ડેમને વધુ ઊંડો ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા જળ સંચય અને પાણી બચતના ક્ષેત્રમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આશરે રૂ. 6 કરોડના ખર્ચે આ બંને ડેમ ખાતે કામગીરી શરૂ કરવામાં આવી છે. ડેમ ઊંડા ઉતરવાથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે, વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે તેમજ ભૂગર્ભ જળસ્તરમાં વધારો થાય તે હેતુથી આ કામ શરૂ કરાયું છે. સુરજવડી ડેમ અને શેલ દેદુમલ ડેમ ખાતે ડિસિલ્ટિંગ તેમજ ડેમને વધુ ઊંડો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરજવડી ડેમના નિર્માણ બાદ પ્રથમ વખત મોટા પાયે ડિસિલ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવતાં આજુબાજુના અંદાજે 12 ગામોના ખેડૂતો અને ગ્રામજનોને સીધો લાભ મળશે. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે પાણી એ ગ્રામ્ય અર્થતંત્ર અને ખેડૂતો માટે જીવનદાયી સાધન છે. ડેમોની પાણી સંગ્રહ ક્ષમતા વધારવાથી ખેતી માટે લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહેશે, જેના કારણે ખેડૂતોને મોટી રાહત મળશે. સાથે જ વરસાદી પાણીના સંગ્રહમાં વધારો થતાં ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું આવશે અને વિસ્તારના જળ સંચયને વધુ મજબૂતી મળશે. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર કરવા, જળ સંચય વધારવા અને ખેડૂતોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →