યુવા કોંગ્રેસની કારોબારીમાં ગેરહાજર નેતાઓને કારણદર્શક નોટિસ:28 જિ.પ્ર. અને 27 પદાધિકારીઓને 3 દિવસમાં ખુલાસો આપવા આદેશ, યોગ્ય જવાબ ન મળતા ફરજમુકત કરવાની તૈયારી

Gujarat5/22/2026, 6:35:00 PM
યુવા કોંગ્રેસની કારોબારીમાં ગેરહાજર નેતાઓને કારણદર્શક નોટિસ:28 જિ.પ્ર. અને 27 પદાધિકારીઓને 3 દિવસમાં ખુલાસો આપવા આદેશ, યોગ્ય જવાબ ન મળતા ફરજમુકત કરવાની તૈયારી
ગત 20 તારીખે પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે યુથ કોંગ્રેસની રાજ્ય કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં ચાલી રહેલા મુદ્દે આગામી સમયમાં કેવા પ્રકારની રણનીતિ બનાવવી અને કેવા પ્રકારના કાર્યક્રમ આપવા તે મુદ્દે ચર્ચા થવાની હતી. જે માટે ઓલ ઈન્ડિયા યુવા કોંગ્રેસના સચિવ પણ અમદાવાદ આવ્યા હતા. પરંતુ રાજ્ય કારોબારીમાં પ્રદેશ યુવા કોંગ્રેસના કુલ 55 જેટલા પદાધિકારીઓ અને જિલ્લા અધ્યક્ષ હાજર રહ્યા નહતા. જેથી તમામને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જો યોગ્ય જવાબ રજૂ નહીં કરે તો ફરજમુકત કરી નવા લોકોને જવાબદારી સોંપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. કારોબારી બેઠકમાં 55 પદાધિકારીઓ ગેરહાજર ગુજરાત યુવા કોંગ્રેસમાં સંગઠનાત્મક શિસ્તને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 20 તારીખે યોજાયેલી રાજ્ય કારોબારી બેઠકમાં ગેરહાજર રહેલા કુલ 55 પદાધિકારીઓ સામે સંગઠને કડક વલણ અપનાવી કારણદર્શક નોટિસ ફટકારી છે. જેમાં 28 જિલ્લા પ્રમુખો ઉપરાંત 27 પ્રદેશ સ્તરના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. કારોબારી બેઠકમાં પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રીઓ અને સચિવ સ્તરના નેતાઓ પણ હાજર રહ્યા નહતા. બેઠક પૂર્વનિર્ધારિત હતી અને તમામ પદાધિકારીઓને સમયસર જાણ કરવામાં આવી હોવા છતાં કેટલાક નેતાઓ પૂર્વ સૂચના કે પરવાનગી વિના ગેરહાજર રહ્યા હતા. પદાધિકારીઓને 3 દિવસમાં ખુલાસો રજૂ કરવા સૂચના જેથી હાજરીના રેકોર્ડના આધારે બેઠકમાં હાજર ન રહેનાર નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરહાજર પદાધિકારીઓને ત્રણ દિવસની અંદર લેખિત ખુલાસો રજૂ કરવા સૂચના અપાઈ છે. જો સમયમર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે તો તેમની સામે શિસ્તભંગ અને સંગઠનાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવા માટે અને સ્થાનિક સ્તર પર અલગ અલગ કાર્યક્રમ આપવાની યુથ કોંગ્રેસ દ્વારા તૈયારી ચાલી રહી છે. યોગ્ય જવાબ ન મળતા કડક કાર્યવાહી કરાશે ઓલ ઈન્ડિયા યુવા કોંગ્રેસના સચિવ નિખિલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, 20 તારીખે પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રાજીવ ગાંધી ભવન ખાતે યોજવામાં આવી હતી. વિવિધ મુદ્દાઓને લઈને અને આગળની કાર્યપ્રણાલીને લઈને મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં કેટલાક લોકો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ઘણા એવા લોકો છે કે જે હાજર રહ્યા ન હતા. જેથી પ્રદેશના 30 પદાધિકારી અને 25 જિલ્લા અધ્યક્ષને નોટિસ આપવામાં આવી છે. કારણદર્શક નોટિસનો જો કોઈ યોગ્ય જવાબ નિશ્ચિત સમયમાં નહીં મળે તો આગામી સમયમાં સંગઠનને મજબૂત કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફરજમાંથી મુક્ત કરીને નવા લોકોને જવાબદારી સોંપાશે વધુમાં નિખિલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, કારણ કે દેશમાં ઘણા એવા મુદ્દાઓ છે જેના પર ચર્ચા કરવાની હતી. NEETની પરીક્ષા રદ થવાથી 24 લાખ જેટલા વિદ્યાર્થીઓને અસર થઈ છે. બીજી તરફ દેશના પ્રધાનમંત્રી ઇટલીમાં મેલોડી ખવડાવી રહ્યા છે. જેથી આ બધા મુદ્દાઓને લઈને દેશમાં અનેક કાર્યક્રમ કરવાની જરૂર છે. જેથી આ બધા માટે પદાધિકારીઓને સક્રિયતાની જરૂર છે. જો કોઈ પદાધિકારી સક્રિય નહીં થાય અને બેઠક કે કાર્યક્રમમાં હાજરી નહીં આપે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ નવા લોકોને તક આપવામાં આવશે. સંગઠનમાં જે લોકો યોગ્ય રીતે કામ નહીં કરે તેમને ફરજમાંથી મુક્ત કરીને નવા લોકોને જવાબદારી સોંપવામાં આવશે.
Read Original Article →