ગુજરાત સાયન્સ સિટીમાં 'અશોક વન'નું નિર્માણ:વિશ્વ પર્યાવરણ દિવસે સીતા અશોકના વૃક્ષોનું વાવેતર શરૂ
ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 'અશોક વન'નું નિર્માણ કરી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં સાયન્સ સિટી કેમ્પસમાં 'અશોક વન'માં સીતા અશોક (Saraca asoca) વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરાયું. સીતા અશોક વૃક્ષો પવિત્ર અને ઔષધીય ગુણો ધરાવે છે. તેના સુંદર કેસરી-લાલ ફૂલો અને ઘટાદાર છાયડા માટે તે જાણીતું છે, જે પર્યાવરણ શુદ્ધિ સાથે પ્રાકૃતિક અને ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. આ કાર્યક્રમમાં ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે પર્યાવરણ જાળવણીમાં પોતાનો ફાળો આપ્યો હતો. આ કાર્યક્રમ સાથે જ સાયન્સ સિટી દ્વારા ચોમાસા દરમિયાન ચાલનારા વૃક્ષારોપણ અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ચોમાસાની ઋતુનો મહત્તમ લાભ લઈ, સાયન્સ સિટી અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો નવા વૃક્ષો વાવવાનો અને તેને ઉછેરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સાયન્સ સિટી પ્રશાસને આ પ્રસંગે નાગરિકોને અપીલ કરી હતી કે, "આપણે સૌ આ પર્યાવરણ દિવસથી સંકલ્પ લઈએ કે આવનારી પેઢીને શુદ્ધ હવા અને હરિયાળું ભવિષ્ય આપવા માટે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશું અને એક બાળકની જેમ તેનું જતન કરીશું."
Read Original Article →