રાજસ્થાનમાં જમીન હોવાના પુરાવા પત્નીએ રજૂ કર્યા:કરોડોની મિલકત ધરાવતા વકીલ પતિને 30 હજાર ખાધાખોરાકી ચૂકવવા આદેશ
અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટે ઘરેલુ હિંસાના એક કેસમાં પીડિત પત્નીની વહારે આવીને મુંબઈના હાઈપ્રોફાઈલ વકીલ પતિને પત્ની અને સગીર દીકરીના ભરણપોષણ તેમજ મકાન ભાડા પેટે દર મહિને રૂ. 30 હજાર ચૂકવવાનો મહત્વનો આદેશ કર્યો છે. પીડિતાના લગ્ન 2010માં વકીલ પ્રકાશભાઈ સાથે થયા હતા. સાસરિયાંના ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળીને મહિલા 2021થી અમદાવાદમાં દીકરી સાથે ભાડાના મકાનમાં રહે છે. પત્ની તરફે એડવોકેટ અલકા જાનીની દલીલો ગ્રાહ્ય રાખી જજ જીતેશ વી. જોષીએ ચુકાદામાં નોંધ્યું કે, કેસના આખરી નિકાલમાં સમય લાગશે અને જો અત્યારે વચગાળાની રાહત ન અપાય તો કાયદાનો આશય જ મરી જશે. પતિ વકીલાત કરે છે અને સારી કમાણી કરે છે, જેથી કેસના ગુણદોષ પર ગયા વિના આ ભરણપોષણ ચૂકવવું ન્યાયોચિત છે. પીડિત પત્નીએ કોર્ટ સમક્ષ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને પતિના આર્થિક સામ્રાજ્યનો કાચો ચિઠ્ઠો ખોલ્યો હતો. જેમાં મુંબઈમાં 2 આલીશાન ફ્લેટ અને 5 કોમર્શિયલ દુકાનો પતિના નામે હોવાનું સામે આવ્યું છે. વોરંટ બજાવવા આવેલા બેલીફ પર હુમલો કર્યો હતો અગાઉ મુંબઈ ફેમિલી કોર્ટે કલમ-24 હેઠળ પત્નીને માસિક રૂ. 15 હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ જાણીને વકીલ પતિએ કોર્ટમાં આવવાનું બંધ કરી દીધું અને છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો. બાદમાં કોર્ટમાંથી નીકળેલું વોરંટ બજાવવા ગયેલા બેલીફ સાથે પતિએ મારઝૂડ કરી હતી.
Read Original Article →