વટવાના 'સતેજ હોમ્સ'ના એક મકાનમાંથી યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યો:હાથ-પગ બાંધેલી લાશમાંથી દુર્ગંધ આવતા ભાંડો ફૂટ્યો, મૃતક સાથે રહેતા મિત્રો ફરાર; પોલીસને હત્યાની આશંકા

Gujarat5/27/2026, 2:43:26 PM
વટવાના 'સતેજ હોમ્સ'ના એક મકાનમાંથી યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યો:હાથ-પગ બાંધેલી લાશમાંથી દુર્ગંધ આવતા ભાંડો ફૂટ્યો, મૃતક સાથે રહેતા મિત્રો ફરાર; પોલીસને હત્યાની આશંકા
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા 'સતેજ હોમ્સ' ફ્લેટના એક બંધ મકાનમાંથી હાથ-પગ બાંધેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી હતી, જેના આધારે વટવા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. છેલ્લા ત્રણથી ચાર દિવસથી રૂમમાં પડી રહેલી લાશ સંપૂર્ણપણે કોહવાઈ ગઈ હોવાથી મૃતકની હજી સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસે આશંકાના આધારે ગુનો નોંધી મૃતદેહને તાત્કાલિક પેનલ પીએમ (પોસ્ટમોર્ટમ) માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે હત્યાનો ગુનો ધારી તપાસ શરૂ કરી છે. બંધ મકાનમાં મિત્રો સાથે રહેતો હતો મૃતક વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એ. એ. વછેટાએ જણાવ્યું હતું કે, સતેજ હોમ્સ ફ્લેટના D-13 નંબરના મકાનમાં આશરે ચારથી પાંચ જેટલા યુવકો સાથે રહેતા હતા. મકાન માલિકે આ ફ્લેટ એક યુવકને ભાડે આપ્યો હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે જે યુવકે ભાડા કરાર કર્યો હતો તે પોતે ત્યાં રહેતો નહોતો. તેની જગ્યાએ અન્ય યુવકો આ મકાનનો ઉપયોગ કરી રહ્યા હતા અને બીજા બેથી ત્રણ લોકોની ત્યાં અવારનવાર અવરજવર રહેતી હતી. ચાર મિત્રો ગાયબ થતાં હત્યાની પ્રબળ આશંકા આ ફ્લેટમાં રવિ, કિશન, સુરજ અને અન્ય એક વ્યક્તિ એમ કુલ ચાર મિત્રો સાથે રહેતા હોવાની પોલીસને માહિતી મળી છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ દ્વારા આ તમામ યુવકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં એક પણ મિત્રનો સંપર્ક થઈ શક્યો નથી અને તમામના ફોન બંધ આવી રહ્યા છે. હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવવી અને મકાનમાં સાથે રહેતા તમામ મિત્રોનું એકાએક ગાયબ થઈ જવું, તે આ કેસમાં કોઈ મોટી અદાવત કે ઝઘડામાં થયેલી ક્રૂર હત્યા તરફ ઈશારો કરે છે. હાલ વટવા પોલીસે ફરાર થઈ ગયેલા તમામ શંકાસ્પદ મિત્રોની શોધખોળ કરવા અને મૃતકની સાચી ઓળખ મેળવવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →