સ્થાનિકોમાં ભય ફેલાવવાની ઘટના બાદ પોલીસ દોડતી થઈ:વટવા ચાર માળિયામાં મોડી રાત્રે મેગા કોમ્બિંગ, ત્રણ પીધેલા મળ્યા

Gujarat4/13/2026, 4:30:46 AM
સ્થાનિકોમાં ભય ફેલાવવાની ઘટના બાદ પોલીસ દોડતી થઈ:વટવા ચાર માળિયામાં મોડી રાત્રે મેગા કોમ્બિંગ, ત્રણ પીધેલા મળ્યા
અમદાવાદના વટવામાં જાહેરમાં કેટલાક શખસોએ તલવારો લઈને જમીન અને દીવાલમાં ઘા મારી સ્થાનિકોમાં ભય ઊભો કર્યો હતો. વટવામાં અસામાજિક તત્વો બેફામ બનતા ઝોન 6 ડીસીપીએ ગઇકાલે(12 એપ્રિલ) મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. વટવામાં ચાર માળિયામાં મેગા કોમ્બિંગ દરમિયાન માત્ર એક દારૂ પીધેલો વ્યક્તિ મળી આવ્યો હતો જ્યારે 435 દારૂની બોટલનો કેસ કર્યો હતો. હથિયાર, લાકડી, ડંડા જેવા હથિયારોનો 1 કેસ કર્યો હતો. 75 આરોપીઓને તપાસવામાં આવ્યા હતા. વટવામાં મેગા કોમ્બિંગ ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર માળિયા ખાતે મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 55 બ્લોકમાં 75 જેટલા આરોપીઓને તપાસવામાં આવ્યા હતા. જે પણ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે તમામ આરોપીઓને તપાસાયા હતા. 45 વાહનોનું ચેકિંગ કર્યું હતું. બે લોકો દારૂ પીને વાહન ચલાવતા હોવા અંગે કેસ કરવામાં આવ્યા હતા. પોલીસ મજબૂતાઈથી કામ કરે છે અને જે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે એવા લોકોને અમે છોડીશું નહીં. મેગા કોમ્બિંગમાં ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારના 10 અધિકારીઓ અને 100થી વધુ જવાનો દ્વારા ચેકિંગ કરાયું હતું. ચાર માળિયામાં પોલીસનું ચેકિંગ વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર રોડ ઉપર તલવારો વડે આતંક ફેલાવવાની ઘટના બાદ દોડતી થયેલી પોલીસે વટવાના ચાર માળિયા ખાતે મેગા કોમ્બિંગ કરવું પડ્યું છે. સામાન્ય લોકોમાં ભય ઊભો કરવાની ઘટના બાદ પોલીસ ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે છે એવો સામાન્ય લોકો સુધી સંદેશ પહોંચે તેના માટે મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં વટવા વિસ્તારમાં અનેક મારામારી અને હત્યાના તેમજ હત્યાના પ્રયાસ જેવા બનાવો બની ચૂક્યા છે લોકો પાસે લાકડી અને દંડા તેમજ તલવાર જેવા હથિયારો મળી આવવા સામાન્ય બાબત બની ગઈ છે. પોલીસના મેગા કોમ્બિંગ બાદ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રહેશે કે કેમ તેને લઈને પણ સવાલ છે.
Read Original Article →