માલિકની જેમ આરામથી શટર ખોલી ચોરી, CCTV:વંદે માતરમ આર્કેડ પાસેની મોબાઇલની દુકાનમાંથી ₹65,000ની મતા સાફ કરી તસ્કર ફરાર
શહેરના વંદે માતરમ આર્કેડ પાસે આવેલી એક મોબાઇલની દુકાનમાં મોડીરાત્રે ચોરીની એક અનોખી ઘટના પ્રકાશમાં આવી છે. બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા એક શાતિર ચોરે જાણે પોતે દુકાનનો માલિક હોય તેમ અત્યંત આરામથી શટરનું તાળું તોડ્યું હતું અને અંદર પ્રવેશીને ચોરી કરી હતી. એટલું જ નહીં, ચોરી કર્યા બાદ તે પકડાઈ ન જાય તે માટે શટર સરખી રીતે બંધ કરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રોકડ અને દાગીના સહિત ₹65,000ની ચોરી
આ અંગેની વિગતો મુજબ, ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ઉત્તમ ઘાંચીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ વંદે માતરમ આર્કેડ પાસે આવેલા શુકન રેસિડેન્સીમાં મોબાઇલની દુકાન ચલાવે છે. તેઓ 19 મેની રાત્રે રોજિંદા સમય મુજબ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 20 મેના રોજ સવારે જ્યારે તેઓ દુકાન ખોલવા પહોંચ્યા, ત્યારે શટરનું સેન્ટ્રલ લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. દુકાનની અંદર તપાસ કરતાં ગલ્લાના ખાનામાંથી ₹55,000ની રોકડ, એક પાકીટ અને ₹10,000ની કિંમતના દાગીના સહિત કુલ ₹65,000ની મતા ગાયબ હતી. CCTV ફૂટેજમાં ચોરની કરામત કેદ, પોલીસ તપાસ શરૂ
દુકાનમાં ચોરી થઈ હોવાનું જણાતાં માલિકે તાત્કાલિક દુકાનની અંદર અને બહાર લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં જોવા મળ્યું કે, મોડી રાત્રે એક અજ્ઞાત શખ્સ બાઇક પર હેલ્મેટ પહેરીને દુકાન આગળ આવીને ઊભો રહે છે. ત્યારબાદ તે કોઈ સાધનની મદદથી ગણતરીની મિનિટોમાં શટરનું લોક તોડી નાખે છે. ચોરી કર્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે તે શટર પાછું વ્યવસ્થિત રીતે પાડીને ત્યાંથી બાઇક પર નાસી છૂટે છે. હાલ સોલા પોલીસે આ મામલે ચોરીનો ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજ તેમજ બાઇકના નંબરના આધારે હેલ્મેટધારી ચોરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →