જમીન ખાલી કરો અને દંડ ભરો, હાઈકોર્ટે પઠાણનો ઉધડો લીધો:HCએ કહ્યું- કોર્પોરેશનમાં ખાલી પ્રસ્તાવ હતો અને તમે કબ્જો કરી લીધો? આ ગુનો છે, ક્રિકેટર પાસે આવી અપેક્ષા નહોતી
પૂર્વ ક્રિકેટર અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરાની વિવાદિત જમીન મામલે આજે ( 8 જૂન) સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પઠાણનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, જમીન આપવાનો ફક્ત સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ છે. જમીનનું એલોટમેન્ટ થયું જ નથી તો જમીન પર કબજો કેવી રીતે કર્યો? વળી તમે એકપણ રૂપિયો આપ્યો નથી. તમને કોણે કબજો આપ્યો તે અધિકારીનું નામ આપો એટલે તેની સામે તપાસનો હુકમ કરીએ. જમીન ખાલી કરો નહીંતર દંડ કરીશું. કોર્ટે વધુમાં કહ્યું કે, આ ગુનો છે. તમે અભણ નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટ પાસેથી આવી આશા રાખી શકાય નહીં. તમે ભલે જમીન ના વાપરતા હોવ પણ જમીન તમારા કબજામાં હોવાથી ભાડુ ચૂકવવું પડે. જો તમેમ જમીન ખાલી નહીં કરો તો કોર્ટો ઓથોરિટીને પઝેશન લેવા હુકમ કરશે. યુસુફને 2012માં માર્કેટ ભાવે જમીન આપવા VMCએ પ્રસ્તાવ કર્યો હતો
જમીન વિવાદના કેસની વાત કરીએ તો, યુસુફ પઠાણ દ્વારા વડોદરામાં જમીન મેળવવા માટે અરજી કરતા વર્ષ 2012માં સ્ટેન્ડિંગ કમિટીએ રિઝોલ્યુશન પસાર કરીને માર્કેટ કિંમતે જમીન આપવા પ્રસ્તાવ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાએ તેને મંજૂરી આપી પછી તેની મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે ગઈ હતી. રાજ્ય સરકારે વર્ષ 2024માં જમીન આપવાની અરજી નકારી કાઢી હતી. પઠાણ દ્વારા વર્ષ 2024માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી
મૂળ આ કેસમાં યુસુફ પઠાણ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2024માં અરજી કરવામાં આવી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 જૂન,2024ના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ આદેશમાં VMCએ અરજદારને તેમની તરફેણમાં જાહેર હરાજી વિના 99 વર્ષના લીઝ પર પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ નકાર્યો હતો અને પ્લોટ પરનું દબાણ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારના 9 જૂન ,2014ના આદેશને પણ પડકારવામાં આવ્યો હતો, જેમાં અરજદારને પ્લોટ ન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. હાઈકોર્ટના સિંગલ જજે નોંધ્યું હતું કે, અરજદાર પાસે પ્લોટના કબજા અંગે કોઈ કાયદેસરનો આદેશ કે ફાળવણી પત્ર ન હોવા છતાં, તેમણે ત્યાં બાઉન્ડ્રી વોલ બનાવીને પ્લોટ પર કબજો જમાવ્યો હતો, જે દબાણ સમાન છે. અરજદારનો દાવો હતો કે VMC સ્વાયત્ત સંસ્થા છે, તેથી રાજ્ય સરકારની મંજૂરીની જરૂર નથી. જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અહીં મુદ્દો ફક્ત સેક્શન 79 નો નથી, પરંતુ જાહેર હરાજીની પ્રક્રિયા ટાળવા માટે દરખાસ્ત સરકારને મોકલવામાં આવી હતી. સિંગલ જજના હુકમ સામે પઠાણે ડબલ જજની બેન્ચ સમક્ષ ચુકાદાને પડકાર્યો હતો
સિંગલ જજના હુકમ સામે યુસુફ પઠાણે ગુજરાત હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અરજી દાખલ કરી છે. જેમાં આજ (8 જૂન, 2026)ની સુનાવણીમાં યુસુફ પઠાણ વતી રજૂઆત કરાઈ હતી કે, એક અગત્યનું પરીબળ જે સિંગલ જજ સમક્ષ મુકાયું નહોતું તે વર્ષ1999ની રાજ્યની એક પોલિસી છે. ભારતીય ટીમના ઇન્ટરનેશનલ ક્રિકેટરને જમીન આપવા બાબતની આ પોલિસી મુજબ તેઓ જમીન મેળવવા હકદાર છે. વધુમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે, યુસુફે જમીન મેળવવા અરજી કરી, અરજી ઉપર પ્રોસેસ થઈ. વર્ષ 2012માં સ્ટેન્ડિંગ કમિટીએ રિઝોલ્યુશન પસાર કરીને માર્કેટ કિંમતે જમીન આપવા પ્રસ્તાવ કર્યો. વડોદરા મહાનગરપાલિકાની જનરલ બોડીએ તેને મંજૂરી આપી ,પછી તેની મંજૂરી માટે રજૂઆત રાજ્ય સરકાર પાસે ગઈ, પરંતુ જમીન કોર્પોરેશનની હોય તો રાજ્ય સરકારની મંજૂરીની જરૂર નથી. રાજ્ય સરકારે કોઈપણ કારણ આપ્યા વગર યુસુફને વર્ષ 2024માં જમીન આપવાની અરજી નકારી નાખી હતી. કોર્પોરેશન પણ યુસુફ સાથે હતું, અગાઉ નયન મોંગીયાને પણ આવી રીતે જમીન મળી ચૂકી છે. જમીન 2014 થી યુસુફના કબ્જામાં છે, તો કબ્જો ખાલી કરવા વર્ષ 2024 માં નોટિસ કેમ આપી ? હાઈકોર્ટે કહ્યું- જમીનની ફાળવણી નથી થઈ તો તેનો કબજો કેવી રીતે કર્યો?
હાઇકોર્ટે કહ્યું હતું કે યુસુફને જમીન આપવાનો ફક્ત સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ છે. ત્યાંથી જનરલ બોડીમાં પ્રસ્તાવ ગયો અને ત્યાંથી સરકાર પાસે પણ, યુસુફને જમીનનું એલોટમેન્ટ થયું જ નથી તો જમીન ઉપર કબ્જો કેવી રીતે કર્યો ? કોઈ પણ ઓક્શન વગર તમને જમીન કેવી રીતે અપાય ? કોર્પોરેશનની પોલિસી હોય, પણ તેઓ પ્રથમ વખત આવું કઈ કરી રહ્યા હોય તો સરકારની મંજૂરી માંગી તો તેમાં કશું ખોટું નથી. સ્ટેન્ડિંગ કમિટીએ આવો પ્રથમ વખત નિર્ણય લીધો હતો. કોર્પોરેશન વ્યક્તિને પસંદ કરીને પ્લોટ આપી શકે નહીં. પ્લોટ ફાળવણી માટે એક પારદર્શક અને ખુલ્લી પોલિસી હોવી જોઈએ. આ ફક્ત એક પ્રસ્તાવ હતો, એલોટમેન્ટ નહીં. તમે કેવી રીતે પ્લોટ ઉપર કબ્જો કર્યો ? વળી તમે એક રૂપિયો નથી આપ્યો. કોર્પોરેશન તમારી સાથે હતું એટલે તમે દબાણ કર્યું ? ફોર્માલિટી પૂર્ણ થઈ નથી કે ના કોઈ લીઝ ડીડ થઈ છે. જમીન ખાલી કરતો નહીંતર દંડ કરીશું-HC
તમને કોણે કબજો આપ્યો, તે અધિકારીનું નામ આપો અમે તેની સામે તપાસના હુકમ કરીએ. જમીન ખાલી કરો નહીંતર દંડ કરીશું, જમીન ખાલી ક્યારે કરશો પખવાડિયામાં ખાલી કરશો ? વળી જમીન ગેરકાયદેસર રાખવા બદલ દંડ પણ થાય, તમે સરકારી જમીન ઉપર અનધિકૃત ફેન્સિંગ પણ કર્યું, આ ગુન્હો છે. તમે અભણ નથી ! ઇન્ટરનેશનલ ક્રિકેટર પાસેથી આવી આશા રાખી શકાય નહીં ! માર્કેટ કિંમતે ભાડું ચૂકવવું પડે. તમે ભલે જમીન ના વાપરતા હોવ પણ જમીન તમારા કબ્જામાં હોવાથી ભાડું ચૂકવવુ પડે. જો તમે જમીન ખાલી નહીં કરો તો કોર્ટ ઓથોરિટીને પઝેશન લેવા હુકમ કરશે. નુકશાન ભરપાઈ અને જમીન ખાલી કરવા માટે સમય જણાવશો. આ મુદ્દે વધુ સુનવણી 15 જૂનના રોજ યોજાશે. યુસુફ પઠાણે પ્લોટની વર્તમાન બજાર કિંમત ચૂકવવા તૈયારી બતાવી હતી
3 માર્ચ, 2012ના રોજ યુસુફ પઠાણે જમીની મેળવવા અરજી કરી હતી. જેનો વડોદરા મહાનગરપાલિકાના પત્રમાં ઉલ્લેખ છે. 23 માર્ચ, 2012 વડોદરા મનપાની વેલ્યુએશન કમિટીની મિટિંગમાં આ જમીનનો ભાવ 57,270 પ્રતિ ચોરસ મીટર લેખે નક્કી થયો હતો. કુલ 978 ચોરસ મીટર જમીનની કુલ કિંમત 5.60 કરોડ જેટલી નક્કી કરાઈ હતી. ગુજરાત સરકારની મંજૂરી લેવાશે તેવું મનપાએ જણાવ્યું હતું. પણ સરકારના નિર્ણય અંગે જણાવ્યું પણ તેની કોપી અપાઈ નહોતી. કોર્ટે કહ્યું હતું કે, જમીન આપવા અંગે વડોદરા મનપાએ અરજદારને તે જ સમયે સ્પષ્ટતા કરી હતી. અરજદારે જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકારના નિર્ણય અંગે અમને ખબર હોત તો અને તે જ સમયે સરકારના નિર્ણયને પડકાર આપ્યો હોત. રાજ્ય સરકાર મ્યુનિસપિલ કોર્પોરેશનના કાર્યો તપાસી શકે છે, પણ સુઓમોટો લઈ શકે નહીં. વડોદરા મહાનગરપાલિકાની જમીન ફાળવણીની પોલિસી ઉપર રાજ્ય સરકાર નિર્દેશ આપી શકે નહિ. હાલ પણ અરજદાર જમીનની વર્તમાન કિંમત આપવા તૈયાર છે. જે તે સમયે વડોદરા મહાનગરપાલિકાએ કોર્ટને જણાવ્યું હતું કે, આ જમીન જાહેર હરાજી વગર અરજદારને આપવાની પ્રોસેસ હતી એટલે સરકારની મંજૂરી લેવી પડે તેવું પહેલેથી સ્પષ્ટ હતું. વડોદરા મનપાની જનરલ બોડી ફક્ત જમીનના વેલ્યુએશનનું એપ્રુવલ આપી શકે. સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોડીએ યૂસફને જમીન આપવા મંજૂરી આપી હતી. પરંતુ રાજ્યની મંજૂરીની જરૂર છે તેવું પણ અરજદારને પહેલેથી જણાવ્યું હતું. અરજદારને વારંવાર વડોદરા મનપાએ રીમાઇન્ડર મોકલ્યું હતું, આખરે 30 મે, 2013 ના રોજ અરજદારે જવાબ આપ્યો હતો. જો કે અરજદારે જણાવ્યું હતું કે, ત્યારે તેઓ ભારતની ક્રિકેટ ટીમ સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે હતા. અરજદારે તે સમયે વડોદરા મનપાને જમીન પોતાને ફાળવવા આગળની કાર્યવાહી કરવા અને પોતાને કરવાની કાર્યવાહી અંગે પણ પૂછ્યું હતું. મનપાએ જે તે સમયે જણાવ્યું હતું કે યુસુફે જવાબ આપતા ઠરાવ રાજ્ય સરકારને મોકલ્યો હતો. આ પ્લોટ પહેલા પ્રાઇવેટ હતો, TP સ્કીમ અંતર્ગત મહાનગરપાલિાકને મળ્યો હતો. 2014 માં રાજ્ય સરકારે યૂસફને જમીન આપવા મંજૂરી નહોતી આપી તે બાબતે યૂસફને 5 ઓગસ્ટ, 2014 ના રોજ જણાવવામાં આવ્યું હતું. જો કે કોર્ટે આ તમામ માહિતી એફિડેવિટ ઉપર આપવા વડોદરા મનપાને જણાવ્યું હતું. સાથે જ વડોદરા મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે હાઇકોર્ટમાં અરજદારે અરજી કર્યા બાદ પણ વડોદરા મનપાને આ જમીન તેને આપવા બે પત્ર મોકલ્યા છે. જેમાં તે જમીનની વર્તમાન કિંમત આપવા તૈયાર હોવાનું જણાવ્યું છે, પણ મનપાએ જમીન આપવા ઈનકાર કર્યો છે. યુસુફ પાસે જમીનનું પઝેશન કે બાંધકામની પરવાનગી નથી. તેમ છતાં તેને આ સોસાયટીમાં આવેલ જમીન ઉપર તબેલો બાંધ્યો છે.જો કે યુસુફના વકીલે VMCના તબેલો બાંધવાની વાત ઉપર વાંધો ઉઠાવ્યો હતો. કારણ કે તબેલો બાંધવો તે કોમર્શિયલ પ્રવૃત્તિ કહેવાય. અરજદારે જણાવ્યું હતું કે તેને ફક્ત શેડ અને કમ્પાઉન્ડ વોલ બાંધી છે. તેમને પઝેશન માંગ્યું હતું, પણ વડોદરા મનપાએ આપ્યું નહોતુ. આ મુદ્દે અરજદાર દ્વારા સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા ટાંકવામાં આવ્યા હતા. યુસુફ લોકસભાની ચૂંટણી જીતતા તેની સામે કાર્યવાહી કરાઈ હોવાની રજૂઆત કરાઈ હતી
યુસુફને અગાઉ અપાયેલ નોટીસમાં લખ્યું છે કે રાજ્ય સરકારને વડોદરા મનપાએ મોકલેલ યૂસફને જમીન ફાળવવાનો પ્રસ્તાવ 2014માં નકારી નાખ્યો હતો. અરજદારને શો કોઝ્ નોટિસ વગર સીધો ઓર્ડર આપી શકાય નહિ. વળી વડોદરા મનપાએ યૂસફને જમીન આપવા જે 2012માં રિઝોલ્યુશન કર્યું તેની કોપી અરજદારને આપી નથી. નિયમો મુજબ જમીન માર્કેટ વેલ્યુ કરતા ઓછી કિંમતે આપી શકાય નહિ. અરજદાર જમીનની મહત્તમ કિંમત આપવા તૈયાર છે.જમીન VMCની હોવાથી તેને રાજ્ય સરકારનું ગાઇડન્સ લેવાની જરૂર નથી. કોર્ટે VMC દ્વારા યૂસુફને જમીન આપવાનું રીઝોલ્યુશન માંગ્યું હતું, તે અરજદાર પાસે ના હોવાથી તે જમીનના અધિકારી ના કહેવાય તેમ જણાવ્યું હતું. અરજદારના વકીલે જણાવ્યું હતું કે VMCએ જમીન બાબતે વાત કરવા યુસુફ પાસે આવવુ હતું, રાજ્ય પાસે જવાની જરૂર નહોતી. કોર્ટે કહ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાએ રાજ્ય પાસે ના જવું જોઈએ એવું ક્યાં લખ્યું છે ? આ તેમની ઇન્ટરનલ પ્રેક્ટિસ હોઈ શકે. અરજદારે કહ્યું હતું કે આ જમીન તેની પાસે 10 વર્ષથી છે, ત્યાં સુધી VMC એ કશું ના કર્યું ! કોર્ટે કહ્યું હતુંકે તમે પણ કશું ના કર્યું ? અરજદારના વકીલે જણાવ્યું હતું કે યુસુફે બીજી પાર્ટીમાંથી લોકસભા ચૂંટણી જીતતા આ પગલાં લેવામાં આવ્યા છે. આ જમીન રાજ્ય સરકારે VMC ને આપેલી નથી, VMC ની પોતાની છે.જો કે કોર્ટે કહ્યું હતું કે અરજદાર તેનો હકક સિદ્ધ કરે નહીં તો કોર્ટ આ અરજી સાંભળવા માંગતી નથી. ક્રિકેટરની સિક્યુરિટી માટે આ પ્લોટ મહત્વનો હોવાની રજૂઆત કરવામાં આવી હતી
અરજદારના વકીલે જણાવ્યું હતું કે અરજદારના ઘરને અડીને આવેલો આ ખુલ્લો પ્લોટ છે, યુસુફ અને ઈરફાન જ્યારે ભારત માટે ક્રિકેટ રમતા હતા ત્યારે આ જગ્યા તેમને અપાઈ હતી. આજે કોર્ટ કાર્યવાહીમાં VMCના વકીલ ઉપસ્થિત થયા હતા. અરજદારે ફરી જણાવ્યું હતું કે આ ક્રિકેટરની સલામતીનો પ્રશ્ન છે. VMC એ લેટર લખ્યો હતો કે અરજદારને જમીન ફાળવવા રિઝોલ્યુશન કર્યું છે, જે અરજદારને મંજૂર હોય તો રાજ્ય સરકારને આગળ કાર્યવાહી માટે મોકલાય. અરજદારે તેનો જવાબ પણ મોકલ્યો હતો. તે લેટર ખોવાઈ ગયો છે. જમીનની કિંમત પણ નક્કી કરવામાં આવી હતી. વેલ્યુએશન કમિટીની મીટીંગમાં જમીનનો ભાવ પ્રતિ ચોરસ મીટર 57,270 નક્કી કરાયો હતો. ત્યારબાદ સ્થાયી કમિટી અને સામાન્ય સભાએ નિર્ણય કરીને જમીન યુસુફને આપવાનું નક્કી કર્યું હતું. જમીનની કિંમત 5.60 કરોડ નક્કી કરવામાં આવી હતી. જેની સહમતી માટે અરજદારની લેટર મોકલવામાં આવ્યો હતો. સહમતિ મળ્યા બાદ આ પ્લોટ જાહેર હરાજી વગર યૂસફને ફાળવવા રાજ્યની મંજૂરી લેવા મોકલવાનું હતું. જે રિઝોલ્યુશન રાજ્યએ 2014માં ના મંજૂર કર્યું હતું. અરજદાર અને તેનો ભાઈ બંને દેશ માટે ક્રિકેટ રમ્યા છે. તેઓ ભારતીય ટીમના રેગ્યુલર સદસ્ય રહ્યા છે. ભારતમાં ક્રિકેટ એ ધર્મ છે અને સિક્યુરિટી માટે આ પ્લોટ મહત્વનો છે. જો કે કોર્ટે કહ્યું હતું કે જો સિક્યુરિટીનો પ્રશ્ન હોય તો અરજદાર સિક્યુરિટી માટે અરજી કરી શકે છે. અરજદારે જણાવ્યું હતું કે જમીન ફાળવણી રદ કરવી હોય તો VMC કરી શકતી હતી, રાજ્યએ કેમ કરી ? રાજ્ય વધુ પૈસા જોઈએ તો પણ અમે આપવા તૈયાર છીએ, પણ જમીન ફાળવણી રદ કરવાના કોઈ કારણ પણ રાજ્યએ આપ્યા નથી. જોકે કોર્ટે કહ્યું હતું કે 2014 માં ફાળવણી રદ્દ કરી તો આટલા વર્ષો તમે શું કર્યું ? અરજદારે કહ્યું કે અમને જણાવ્યું જ નહોતું કે રાજ્ય સરકારે જમીન આપી નથી. આ સમાચાર પણ વાંચોઃ
‘મને મમતા બેનરજી કે પાર્ટી લીડરે સાંસદ પદેથી રાજીનામું આપવા કહ્યું નથી’ પશ્ચિમ બંગાળમાં તૃણમૃલ કોંગ્રેસ અને મમતા બેનરજીની કારમી હાર બાદ છેલ્લા કેટલાક દિવસથી બહેરામપુર લોકસભા બેઠક પરથી સાંસદ યુસુફ પઠાણના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું છે. મમતા બેનરજી હવે લોકસભામાં જવા માગતા હોય સલામત ગણાતી યુસુફ પઠાણની સીટ પર ચૂંટણી લડવા ઈચ્છા હોય પઠાણને રાજીનામું આપવા માટે કહેવાયું હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે યુસુફ પઠાણે સામે આવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. પઠાણે કહ્યું કે, મને મમતા બેનરજી કે પાર્ટીના કોઈ લીડરે ક્યારેય પણ રાજીનામું આપવાની વાત કરી નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read Original Article →