ઉત્તરાખંડનું ચર્ચિત ₹800 કરોડનું LUCC ચીટફંડ કૌભાંડ:CBIએ મુંબઈમાંથી બે મુખ્ય આરોપીઓની કરી ધરપકડ, 1 લાખથી વધુ રોકાણકારો સાથે થઈ હતી છેતરપિંડી
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ઉત્તરાખંડના બહુચર્ચિત LUCC (લોની અર્બન મલ્ટી સ્ટેટ ક્રેડિટ એન્ડ થ્રીફ્ટ કો-ઓપરેટિવ સોસાયટી) ચીટફંડ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઇએ આ આર્થિક મહાકૌભાંડના બે મુખ્ય સૂત્રધારો કિશન જૈન અને પંકજ જૈનની મુંબઈમાંથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પર દેશના એક લાખથી વધુ સામાન્ય રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપીને આશરે ₹800 કરોડની મસમોટી છેતરપિંડી આચર્યાનો ગંભીર આરોપ છે. રોકાણકારોના કરોડો રૂપિયા ઓળવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, LUCC સોસાયટી દ્વારા દેશભરમાં કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન કરીને અનિયમિત અને ગેરકાયદેસર ડિપોઝિટ યોજનાઓ (Ponzi Schemes) ચલાવવામાં આવી રહી હતી. આ સ્કીમો હેઠળ માસૂમ લોકો પાસેથી કરોડો રૂપિયાની થાપણો એકત્ર કરવામાં આવી હતી. જોકે, જ્યારે રોકાણકારોની પાકતી મુદત (Maturity) આવી ત્યારે વચન મુજબ નાણાં પરત કરવાને બદલે કંપનીના સંચાલકો કરોડો રૂપિયા ઓળવીને રાતોરાત ફરાર થઈ ગયા હતા. આ મામલે ઉત્તરાખંડના જુદા-જુદા જિલ્લાઓમાં અનેક એફઆઈઆર (FIR) નોંધાઈ હતી. હાઈકોર્ટના આદેશ બાદ કેસ CBIને સોંપાયો
આ કૌભાંડની વ્યાપકતા અને ગંભીરતાને જોતાં ઉત્તરાખંડ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. હાઈકોર્ટના વિશેષ આદેશ બાદ ગયા વર્ષે આ સમગ્ર કેસની તપાસ સીબીઆઇ (CBI)ને સોંપવામાં આવી હતી. CBIની દેશવ્યાપી તપાસ
તપાસ હાથમાં લીધા બાદ CBIની વિશેષ ટીમોએ દેશના અનેક રાજ્યોમાં સોસાયટીના નાણાકીય દસ્તાવેજો, સેંકડો બેંક વ્યવહારો (Bank Transactions) અને સાક્ષીઓના નિવેદનોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ સઘન ઓપરેશનના અંતે ગુપ્ત બાતમીના આધારે લાંબા સમયથી ભાગતા ફરતા આરોપી કિશન જૈન અને પંકજ જૈનને મુંબઈમાંથી દબોચી લેવામાં આવ્યા હતા. CBIના મતે આ કેસમાં વિશ્વાસઘાત, છેતરપિંડી, ગેરકાયદે થાપણો એકત્ર કરવી અને મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાહિત કાવતરાં સામેલ છે. માયફ્લેજ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સ પણ અન્ય છેતરપિંડીના કેસમાં રડારમાં
આ LUCC કૌભાંડના તાર મુંબઈના અન્ય એક નાણાકીય ફ્રોડ સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ચિટફંડ કેસમાં આરોપી તરીકે જેનું નામ ખુલ્યું છે તે શબાબ હુસૈન તેમજ તેના સહયોગીઓ બિશ્વજીત બાદલ ઘોષ અને પિયાલી શ્યામલેન્દુ ચેટર્જી ઘોષ (જેઓ ‘માયફ્લેજ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના ડિરેક્ટર્સ છે), તેઓ પણ મુંબઈમાં એક અલગ છેતરપિંડીના કેસમાં ફોજદારી કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ વિરૂદ્ધ અલગ-અલગ પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા છે. સમગ્ર ભારતમાં કાર્યરત એક પ્રતિષ્ઠિત એવિએશન ટ્રેનિંગ સંસ્થાના પ્રમોટર્સ એવા આયુષ શાહ અને મૌસમ શાહ દ્વારા નોંધાવવામાં આવેલી સત્તાવાર ફરિયાદો અનુસાર, માયફ્લેજના ડિરેક્ટર્સે તેમની સાથે આશરે ₹4.44 કરોડની નાણાકીય ગેરરીતિ અને ઉચાપત કરી છે. આ મામલો હાલમાં સંબંધિત કાનૂની સત્તાધિકારીઓ સમક્ષ વિચારાધીન છે. CBI અને સ્થાનિક પોલીસની સંયુક્ત તપાસમાં આગામી દિવસોમાં આ કૌભાંડના નેટવર્કમાં સામેલ અન્ય મોટા માથાઓની ધરપકડ થાય એવી પૂરેપૂરી સંભાવના છે.
Read Original Article →