સન્માન સમારોહ:UPSCમાં સફળ થયેલા અનુસૂચિત જાતિના ઉમેદવારોનું અભિવાદન કરાયું

Gujarat4/9/2026, 11:51:00 AM
શિક્ષણ અને સામાજિક જાગૃતિના ઉમદા હેતુ સાથે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા લીલાધર ભટ્ટ હોલ ખાતે UPSC પરીક્ષામાં સફળ થયેલા અનુસૂચિત જાતિના યુવાનોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ વર્ષે ગુજરાતમાંથી અનુસૂચિત જાતિના વિક્રમજનક 10 ઉમેદવારો UPSCમાં સફળ થયા છે, જે ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોનું સ્વાગત કાર્યક્રમની શરૂઆત હર્ષદભાઈ સોલંકીના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ UPSC ઉત્તીર્ણ ઉમેદવારો શ્રેયા પ્રિયદર્શી, નિશાંત પ્રિયદર્શી, જૈનિશ ચૌહાણ, જીતકુમાર નમહા, નરેન્દ્રભાઈ રાઠોડ અને રાજપાલ પંથ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ પરીખ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. સન્માન અને પ્રેરણા સમારંભમાં ઉપસ્થિત તમામ 'સમાજ રત્નો'નું બુકે, પંચશીલ ખેસ, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક અને મોમેન્ટો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર ન રહી શકેલા આદિત્ય અમરાણી, વિરેન પરમાર, સાગર જાધવ અને રાહુલ રેવર વતી તેમના વાલીઓ- સંજયકુમાર અમરાણી, કિશોરભાઈ રેવર, ઋષિકેશ જાધવ અને દીપકકુમાર પરમારનું સન્માન કરી તેમની સફળતાને બિરદાવવામાં આવી હતી. આયોજકો અને સહયોગીઓ આ કાર્યક્રમના મુખ્ય આયોજક અને રિટાયર્ડ આસિસ્ટન્ટ કમિશનર (CGST Customs) રાજેશકુમાર (રાજુભાઈ) સોલંકીએ જણાવ્યું હતું કે, મા-બાપના સંસ્કાર અને શિક્ષણના મહત્વને સમાજમાં પ્રસારિત કરવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. દિનેશભાઈ વિહોલ અને અન્ય મિત્રોના સક્રિય સહયોગથી આ વિચાર મૂર્ત સ્વરૂપ પામ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં રાજુભાઇ સોલંકી, દિનેશભાઈ વિહોલ, રતિલાલ પરમાર અને ફૂલાભાઇ લકુમ, નરેશભાઈ સોખડિયા, આર. કે. ચૌહાણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ડૉ. શ્યામલ પુરાણી, ભાનુભાઈ વાણીયા, કિર્તી ચૌહાણ, દિલીપ રાઠોડ, ભારતીબેન રાઠોડ, પ્રફુલ પરમાર, મીનાકુમારી સોલંકી, સચિન પટેલ અને અન્ય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રકાશ બેન્કર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. રાજુભાઈ સોલંકીએ આગામી વર્ષોમાં પણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવા કાર્યક્રમો ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Read Original Article →