અમદાવાદના 50થી વધુ વેપારી સાથે ઠગાઇ આચરનાર ઝડપાયો:પેમેન્ટના ખોટા સ્ક્રીન શોર્ટથી ઠગાઈ કરતો, નવરાત્રીમાં પાર્ટી પ્લોટોના પાસ પણ લીધા'તા; 10.87 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદમાં વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રોનીક્સ ગેટેઝ્સ અને કપડા સહિતનો માલસામાન ખરીદીને પેમેન્ટ કર્યાનો બનાવટી સ્ક્રીન શોટ બતાવીને 50થી વધુ વેપારીઓ સાથે ઠગાઇ કરનાર ગઠિયો ઝડપાયો છે. આરોપીએ નવરાત્રીમાં પાર્ટી પ્લોટોની ટિકીટો પણ બનાવટી પેમેન્ટનો સ્ક્રીન શોર્ટ બતાવીને લઇ લીધી હતી. મહત્વનું છે કે બોપલ આંબલી રોડ પર કાપડની દુકાન ધરાવતા વેપારીને બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપી સામે આઠ કેસ પણ નોંધાઈ ચૂક્યા છે. પેમેન્ટ કર્યાનો સ્ક્રીન શોટ મોકલ્યો, પણ બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા નહોતા
બોપલમાં રહેતા મયુરભાઇ દોંગા બોપલ-આંબલી રોડ પર પડદાના કાપડની દુકાન ધરાવે છે.થોડા દિવસ અગાઉ એક યુવક દુકાને આવ્યો હતો અને તેણે તાત્કાલિક કાપડ લેવાનું કહીને 40 હજારનું કાપડ પસંદ કર્યું હતું. યુવકે બેંકની ડીટેઇલ મોકલીને કાપડ લઇને પેમેન્ટ કર્યાનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. પરંતુ મયુરભાઇના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા નહોતા. બીજી તરફ યુવકનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. આ યુવકે તેનું નામ ઋષિલ શાહ જણાવ્યું હતું. જેની ભાળ ન મળતા મયુરભાઇએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. 10.87 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઋષિલ શાહને ઘાટલોડિયામાં તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 10.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેના વિરૃદ્ધ ગાંધીનગર અને અમદાવાદમાં અકસ્માત સહિત કુલ આઠ ગુના નોંધાઇ ચુક્યા છે. તેમજ તે કારમાં બનાવટી નંબર પ્લેટ રાખતો હતો અને અન્ય નામના સીમ કાર્ડ પણ વાપરતો હતો. એડિંટીંગ કરીને મેસેજ બતાવીને માલસામાન લઇને ઠગાઇ આચરતો
ઉપરાંત BBA સુધીનો અભ્યાસ કર્યો છે. કેન્વાસ એપ્લીકેશનથી મેસેજમાં એડિંટીંગ કરીને મેસેજ બતાવીને માલસામાન લઇને ઠગાઇ આચરતો હતો. જ્યારે તેને નવરાત્રીમાં સફેદ પરીંદે જેવા પ્રખ્યાત ગરબામાં પણ બનાવટી મેસેજ બતાવીને 45 ટિકીટો લઇને બારોબાર વેચીને રૂપિયા કમાઇને મોજશોખમાં ઉડાવી દીધા હતા.
Read Original Article →