5 વર્ષમાં આ વખતે મેની રાતો સૌથી ગરમ:મેમાં 23માંથી 17 રાત્રે લઘુતમ તાપમાન 28 ડિગ્રીથી વધુ રહ્યું

Gujarat5/25/2026, 12:00:00 AM
શહેરમાં મે દરમિયાન મોટા ભાગે દિવસે અને રાત્રિનું તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. મેમાં શહેરનું રાતનું સરેરાશ લઘુતમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહે છે, પરંતુ આ વર્ષે 1થી 23 મે દરમિયાન રાતનું સરેરાશ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું છે. એટલે કે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધુ રહ્યું છે. છેલ્લાં 5 વર્ષમાં વર્ષ- 2024 બાદ આ વર્ષે સૌથી વધુ ગરમી રાતે નોંધાઈ છે. મેના 23 દિવસમાંથી 17 રાતનું તાપમાન 28 ડિગ્રીથી ઉપર અને 7 દિવસ 29 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. 11 મેએ લઘુતમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. શનિવારે રાજ્યમાં શરૂ થયેલા પશ્ચિમના ગરમ પવન અને ભેજને કારણે મહત્તમ તાપમાન શુક્રવારની સરખામણીએ 1 ડિગ્રી ગગડીને 42.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.2 ડિગ્રી નોંધાયું હતું છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 61 ટકાથી ઘટી સાંજે 5.30 કલાકે 30 ટકા નોંધાતાં 42 ડિગ્રીએ 46 ડિગ્રી ગરમીનો અનુભવ થયો હતો. હજુ બે દિવસ રાત્રિનું તાપમાન 1થી 2 ડિગ્રી વધુ રહી શકે છે. 5 વર્ષનું રાતનું તાપમાન બે દિવસ રાત્રિનું તાપમાન 31થી 32 ડિગ્રી રહી શકે રાત્રિનું તાપમાન લાંબા ગાળાની સરેરાશ કરતાં નોંધપાત્ર ઊંચું રહે તેને ગરમ રાત (વોર્મ નાઇટ) કહે છે, જેનાં કારણોમાં અર્બન હીટ આઇલેન્ડ અસર, હરિયાળીનું ઘટતું જતું પ્રમાણ અને ક્લાઇમેટ ચેન્જ છે. આ ત્રણ કારણથી સતત વધી રહેલાં કોંક્રીટના જંગલમાં દિવસ દરમિયાન સંગ્રહાયેલી ગરમી રાત્રે ધીમે ધીમે બહાર આવે છે. વૃક્ષ અને ખુલ્લી જમીનનું પ્રમાણ ઘટતાં કુદરતી ઠંડક ઓછી થાય છે. વૈશ્વિક તાપમાન વધારાની અસર હવે રાત્રિના તાપમાનમાં પણ થઈ રહી છે. આગામી બે દિવસ અમદાવાદનું રાત્રિનું તાપમાન 31થી 32 ડિગ્રી આસપાસ રહી શકે છે. - એ. ટી. દેસાઈ, હવામાન વિશેષજ્ઞ શરીરને કૂલિંગ બ્રેક ન મળે તો શારીરિક સમસ્યા થઈ શકે દિવસે ગરમી હોય છે પણ સામાન્ય રીતે રાત્રે તાપમાન ઘટતાં શરીરને ઠંડક મળે છે, પણ જ્યારે રાત્રિનું તાપમાન 28થી 30 ડિગ્રી વચ્ચે રહે છે ત્યારે શરીરને પૂરતી ઠંડક (કુલિંગ બ્રેક) મળતી નથી. પરિણામે થાક, ઊંઘમાં ખલેલ, ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેસર, હૃદય સંબંધિત તકલીફોનું જોખમ વધી શકે છે. વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિલા, હૃદય રોગ, ડાયાબિટીસ દર્દીઓ માટે જોખમી મનાય છે. - ડો. પ્રવીણ ગર્ગ, એમડી ફિઝિશિયન 1થી 23 મેની ગરમ રાત્રિ
Read Original Article →