ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ટેન્ડર પહેલાં જ જીતનાર નક્કી! સૌથી સસ્તા L1 નહીં સૌથી વધુ માર્ક H1 મેળવનારા જ જીતે

Gujarat4/8/2026, 12:00:00 AM
મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ અને MSME (માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ) જેવી ઈન્ડસ્ટ્રિયલ પોલીસીને વેગવાન બનાવાના દાવા માત્ર જાહેરાતો પુરતા જ છે. બાકી રાજ્યના વિવિધ જિલ્લામાં સુવિધા, સમારકામ વિગેરેના જાહેર કામના ટેન્ડર ચોક્કસ વ્યક્તિઓના હાથમાં જ જાય તેવી ગોઠવણ પહેલીથી જ શરતોમાં નક્કી કરી દેવાય છે. ‘દિવ્ય ભાસ્કર’ના ઈન્વેસ્ટિગેશનમાં આવા અનેક પુરાવા મળ્યાં છે જે જાણકારોના મતે પણ શંકાસ્પદ છે. ટેન્ડરના નિયમો (શરત) જ એવી રાખવામાં આવે છે કે, કોઈ ચોક્કસ કંપની કે વ્યક્તિના ફાયદા માટે જ હોય. ‘હેલ્ધી હરીફાઈ’ ના જીએફઆર (જનરલ ફાયનાન્શિયલ રુલ્સ) ના નિયમોનો મોટાભાગના ટેન્ડરમાં છેદ ઉડાવી દેવાયો છે. એટલું જ નહીં વેન્ડરના ટર્ન ઓવર, અનુભવ, સ્થળ વિઝીટના સર્ટિફિકેટ જેવા નિયમો નાના કે નવા બિડર માટે ટેન્ડર મળવાની કોરી કલ્પના સાબીત થાય છે. બીજી તરફ ચોક્કસ નિયમો ચોક્કસ કંપનીઓ માટે જ હોય તેવો અભિપ્રાય કોઈ પણ વ્યક્તિ વ્યક્ત કરી શકે તેમ છે. જેમ કે, અંબાજીમાં સ્ટ્રીટ લાઈટનું ટેન્ડર બહાર પાડ્યું અને બે થાંભલાની વચ્ચે મૂરલ વર્ક (પથ્થરોનું આર્ટ) પણ કંપનીએ કરી આપવાનું. જાણકારોનું કહેવું છે કે, ઈલેક્ટ્રીક થાંભલા નાંખતી એવી કઈ કંપની હશે કે જેમની પાસે પથ્થરના બ્યૂટીફિકેશનનું પણ એક જ કંપનીમાં કામ હોય? આ વાત શંકા ઉપજાવે છે. આ ઉપરાંત ટેન્ડરમાં માર્ક સિસ્ટમ પણ ભારે ભેદી રાખવામાં આવી છે. જે કંપની ટેન્ડરમાં બતાવેલુ કામ કરવા માલ ખરીદે તે વેન્ડરનું ટર્ન ઓવર પણ ચોક્કસ માપદંડ વાળું હોવુ જોઈએ અને તે સર્ટીફિકેટ આપે પછી જ ટેન્ડર લાગે..! જાણકારો માને છે કે, વેન્ડર પોતાની ઓળખીતી કંપનીને જ સર્ટી આપેને?! કોઈ નવા વેપારીને કેમ પ્રમોટ કરે? બીજુ કે, કેટલાક ટેન્ડરમાં પ્રેઝન્ટેશનના ૩૦ માર્ક રાખવામાં આવ્યાં છે જે આપવાની છેલ્લી સત્તા કન્સલ્ટન્ટ કે સત્તાધિશના હાથમાં છે. ટેન્ડર પછી પ્રશ્ન પૂછો તો 3 વર્ષ માટે ડિબાર, EMD જપ્ત | ટેન્ડર પછી પ્રશ્ન માત્ર ટેન્ડરમાં ભાગ લેનાર જ પૂછી શકે. બીજા નહીં, જેનો અર્થ RTI અને વિસલ બ્લોઅરને માહિતી મેળવવા હકથી દુર રખાયા. એટલું જ નહીં, જો કોઈ કંપની પ્રશ્ન પૂછે તો તેને ત્રણ વર્ષ માટે ડિબાર કરી તેની EMD જપ્ત કરવાનો નિયમ બનાવ્યો છે. એટલું જ નહીં જો કોઈ નોન બિડર પ્રશ્ન પૂછે તો તેને ધ્યાનમાં નહીં લેવાનો નિયમ છે. જનતા માટેના સાર્વજનીક કામો કરનારી કંપની અને સરકાર વચ્ચેના વ્યવહાર અંગેનો જનતા જ પ્રશ્ન ન પૂછી શકે તે શંકાસ્પદ છે. (…ટેન્ડર નંબર: KAMC/CE-79/2025-26 (લાઇટિંગ પ્રોજેક્ટ)માં પેજ નંબર 4 નો ક્લોજ 20...) અંબાજીની સ્ટ્રીટ લાઈટનું ટેન્ડર 18 કરોડનું એક્સપર્ટે કહ્યું માંડ 9 કરોડનું કામ છે અંબાજી મંદિર વિસ્તારમાં સ્ટ્રિટ લાઈટ માટેનું અંદાજીત 18 કરોડ વેલ્યુનું ટેન્ડર જાહેર કરાયું છે. જે પહેલેથી જ શંકાસ્પદ એટલા માટે છે કે તેમાં સ્ટોન આર્ટનો અનુભવ ધરાવતી કંપની જ જોઈએ છે. આ સાથે એક એક્સપર્ટે ટેન્ડરની વેલ્યૂ કરતા જણાવ્યું હતુ કે, જે કામ માટે 18 કરોડ ની અંદાજીત કિંમત મુકાઈ છે તે કામ માંડ 9 થી 10 કરોડની આસપાસની વેલ્યૂનું થાય છે. (એક્સપર્ટ પાસે તૈયાર કરાવેલુ પ્રાઈઝ લીસ્ટ) ‘સ્પોટ વિઝીટ’ સર્ટી શું કામ ? અનેક કંપનીઓને શંકા : આણંદ, વાપી, ટૂરીઝમના ટેન્ડરમાં સ્પોટ વિઝીટનું સર્ટી ફિકેટ આપવું ફરજિયાત બનાવાયું છે. ટેન્ડરભરનારી કેટલીક કંપનીઓએ શંકા વ્યક્ત કરી છે કે, સ્પોટ વિઝીટનું સર્ટી એટલા માટે અપાય છે કે, સત્તાધિશોને પહેલેથી ખબર પડે કે કોણ કોણ ટેન્ડર ભરવામાં ઈન્ટ્રસ્ટેડ છે, જે માહિતી મેળવીને બિડરની રીંગ બનાવી ટેન્ડરની વેલ્યુ ઉંચી લઈ જઈ ભાગ બટાઈની શંકા છે. ટેન્ડરની શંકાસ્પદ શરતો કઈ કઈ? 1. અનુભવના પ્રમાણપત્રનો ખેલ: ટેન્ડરમાં ‘સમાન પ્રકારના કામ’ (સિમિલર નેચર ઓફ વર્ક)ની વ્યાખ્યા જટીલ બનાવાઈ છે. જેના કારણે નવી કંપનીઓ કે શરૂઆત કરનારા હરીફાઈમાંથી નીકળી જાય. જીએફઆર મુજબ અનુભવની શરત સ્પર્ધાને રોકવા માટે વાપરી શકાય નહીં. 2. કોન્સેપ્ટ પ્રેઝન્ટેશન: ક્વૉલિટીના 30 માર્ક્સ અને કોસ્ટના 70 માર્ક્સનો ક્યુએસબીએસનો ક્રાઈટેરીયા હોય છે. પરંતુ, કેટલાક ટેન્ડરમાં 30 માર્ક્સ માત્ર કોન્સેપ્ટ પ્રેઝન્ટેશનમાં આપવામાં આવે છે. જેના કારણે અધિકારી મનમાની કરી ચોક્કસ વ્યક્તિને વધારે માર્ક આપી ટેન્ડર તેની પાસે જ જાય તેવો ખેલ કરી શકે છે. 3. મેન્યુફેક્ચર ઓથોરાઈઝ્ડ ફોર્મ: કેટલાક ટેન્ડરમાં સ્પેસિફિક બ્રાન્ડ અથવા મેકર નક્કી કરી દેવાયા છે. નિમય મુજબ ટેન્ડરમાં ‘અથવા તેના જેવું જ’ લખવું ફરજિયાત છે. જે ટેન્ડરમાં ગાયબ છે. 4. ડિસ્ટન્સ ક્લોઝ : ટેન્ડરમાં એવી શરત મુકવામાં આવી છે કે, એજન્સીની રજીસ્ટર્ડ ઓફિસ પાલિકાના 50-100 કિમી અંદર જ આવેલી હોવી જોઈએ. જે GFR ના ઓપન ટેન્ડરના સિંધ્ધાત વિરૂધ્ધ છે. 5. માર્ક્સમાં વેઈટેજ શંકાસ્પદ: ટેક્નિકલ વેઈટેજ 80 ટકાથી વધુ ન હોવું જોઈએ. પરંતુ એક ચોક્કસ કમ્પોનેન્ટ કે જેની કિંમત કુલ પ્રોજેક્ટના માત્ર 10 થી 15 ટકા છે તેને ટેક્નિકલ સ્કોર 55 ટકા આપી દેવાયો છે જે જીએફઆરના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે. 6. અનુભવ MSME અને સ્ટાર્ટ અપ કંપનીઓનો છેદ ઉડાડે છે: ટેન્ડરમાં 20 વર્ષ કે તેથી વધુનો અનુભવ માટે જ મહત્તમ માર્ક્સ આપવામાં આવે છે. આ શરતથી સ્ટાર્ટ અપ કે MSME હેઠળ આવતી સક્ષમ કંપનીઓનો છેદ ઉડાડે છે. 7. નડેશ્વરી ટેન્ડરમાં ટર્નઓવર પ્રોજેક્ટથી 5 ગણુ વધુ માંગ્યુ: નડેશ્વરી મંદિરના ટેન્ડરમાં ઓઇએમ (ઓરીજીનલ ઈક્વિપમેન્ટ મેનિફેક્ચરર) માટે 36 કરોડ કે તેથી વધુના ટર્નઓવરરની શરત પ્રોજેક્ટની અંદાજીત કિંમત 4.82 કરોડથી વધુ અનેક ગણીવધુ છે. માટે મેનિફેક્ચરર નક્કી કરે તેને જ ટેન્ડર મળે છે. 8. ધડ-માથા વગરની માંગણીઓ: અંબાજી મંદીરના સ્ટ્રિટ લાઈટના કામમાં કંપનીને મુરલ, આર્ટ કે સ્ટોન ઈન્સ્ટોલેશનનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે. જે ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટ રાખતી કંપનીઓ પાસે હોવો લગભગ શક્ય નથી. પરંતુ આવી માંગ ચોક્કસ કંપનીને ટેન્ડર આપવાની શંકા ઉપજાવે છે. 15 ટકાથી વધુ કે ઓછુ ભર્યું તો ડિસ્કવોલીફાઈડ : એક ટેન્ડરમાંતો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તમે ટેન્ડરની અંદાજીત વેલ્યુથી 15 ટાક વધુ કે ઓછી કિંમત સાથે ટેન્ડર ભરી ન શકો. એક્સપર્ટના મતે આ નિયમ ચોક્કસ વ્યક્તિઓને આર્થિક ફાયદો સાથે કોઈ ચોક્કસ બ્રાન્ડને ઉંચા ભાવ અપાવવા માટે હોય શકે છે. જેથી ક્વૉલિટી વર્ક આપનારો બિડર સ્પર્ધાત્મક ભાવ ભરી શકતા નથી. જોઈન્ટ વેન્ચરમાં પણ કામ કરતા હોય છે : અધિકારી અંબાજી ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા બહાર પડાયેલા સ્ટ્રીટ લાઈટના ટેન્ડરમાં મ્યુરલ આર્ટ અંગે જવાબદાર અધિકારી કૌશીક મોદીએ કહ્યું હતુ કે, અમારે આ ટેન્ડરમાં ત્રણ-ચાર કંપનીઓ સિલેક્ટ થઈ છે. જ્યારે તેમને મ્યુરલ આર્ટ અને ઈલેકટ્રીક થાંભલાનું કામ સાથે કેવી રીતે થાય તે અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતુ કે, ઘણીવાર જોઈન્ટ વેન્ચરમાં પણ કામ કરતા હોય છે.
Read Original Article →