વૃદ્ધને જાણ પણ ન થઈ પછી ભાંડો ફૂટ્યો:વૃદ્ધના નામે બે ક્રેડિટ કાર્ડ વાપરી રૂ. 22.71 લાખની ઠગાઇ આચરી

Gujarat6/5/2026, 12:00:00 AM
બાપુનગરમાં રહેતા 63 વર્ષીય નિવૃત્ત વૃદ્ધના નામે જારી કરાયેલા SBIના બે ક્રેડિટ કાર્ડનો ગેરઉપયોગ કરીને રૂ.22.71 લાખની ખરીદી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે SBI લાઇફ ઇન્શ્યોરન્સના એજન્ટ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ બાપુનગરમાં રહેતા કિશોરભાઈ સોમાભાઈ પરમાર છેલ્લા દસેક વર્ષથી તુષાર કાંત મહાપાત્રાના સંપર્કમાં હતા. તુષાર એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સનો એજન્ટ હોવાથી બંને વચ્ચે વિશ્વાસભર્યો સંબંધ હતો. કિશોરભાઈએ તેની મારફતે રૂ.1 કરોડની જીવન વીમા પોલિસી લીધી હતી અને તેના પ્રીમિયમના પાંચ હપ્તા પણ ચૂકવ્યા હતા. દરમિયાન તુષારે,કિશોરભાઈને એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ અપાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. કિશોરભાઈને ક્રેડિટ કાર્ડની ખાસ જરૂર ન હોવાથી તેમણે તમામ કાર્યવાહી તેને સોંપી દીધી હતી. આ વિશ્વાસનો લાભ લઈને તુષારએ કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડીમાં ફેરફાર કરી પોતાના નંબર અને ઇ-મેઇલ નોંધાવ્યા હતા. આરોપી પોતાના મોબાઇલ પર આવતા ઓટીપી મેળવી કાર્ડનો ઉપયોગ કરતો રહ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે જૂન-2021થી ઓગસ્ટ-2023 દરમિયાન આરોપીએ વૃદ્ધના નામે જારી કરાયેલા બે અલગ-અલગ ક્રેડિટ કાર્ડ દ્વારા લાખો રૂપિયાની ખરીદીઓ કરી હતી.
Read Original Article →