500થી વધુ દર્દીની સ્થિતિ કફોડી:સિવિલના ન્યુરો મેડિસિનમાં બેન્ચના અભાવે દર્દીને નીચે બેસવું પડે છે

Gujarat4/12/2026, 12:00:00 AM
સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં કરોડોના ખર્ચે બનેલી ‘અત્યાધુનિક’ 1200 બેડની હૉસ્પિટલ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. અહીંના ન્યુરો-મેડિસિન વિભાગમાં આવતા ર દર્દીઓને બેસવા માટે બેન્ચ સુધ્ધાં નથી. સરકારે લાખોના ખર્ચે વસાવેલી સ્ટીલની બેન્ચો મેઇન્ટેનન્સના અભાવે ભંગારમાં ફેરવાઈ ગઈ છે. પરિણામે, અશક્ત વૃદ્ધો અને મહિલાઓને કલાકો સુધી જમીન પર બેસીને પોતાની વારાની રાહ જોવી પડે છે. હૉસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા મુજબ, દર મંગળવાર અને શુક્રવારે ઓપીડીમાં 500થી વધુ દર્દી આવે છે. ન્યુરો-મેડિસિન વિભાગમાં બેસવાની વ્યવસ્થાને અભાવ અંગે પૂછતાં સિવિલ હૉસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જસ્મીન દિવાને જણાવ્યું હતું કે હા, તમારી વાત સાચી છે. મેં તપાસ કરાવીને જે 3 બેન્ચ તૂટેલી હતી તે આડી મૂકી હતી, તેને કઢાવી નાખી છે, તેમજ 20 જેટલી બેન્ચની સર્વિસ ચાલુ હોવાથી દર્દી માટે બેસવાની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે. દર્દીઓ માટે ઊભા રહેવું કે નીચે બેસવું કેમ જોખમી? ન્યુરો-મેડીશીન ઓપીડીમાં લકવો, પાર્કિનસન્સ અને ચક્કર આવવાની તકલીફના દર્દીઓ આવતાં હોય છે. આવા દર્દીઓમાં સંતુલનનો અભાવ હોય છે, નીચે બેસતી વખતે કે ઉભા રહેતી વખતે પડવાનો અને ફેક્ચર થવાનો ભય રહે છે. જયારે પાર્કિનસન્સને લીધે ધ્રુજારીની બીમારીવાળા દર્દીઓ લાંબો સમય ઉભા રહી શકતા નથી. તેમજ મગજની નબળાઈને કારણે ચક્કર આવતા હોય તેવા દર્દી જો જમીન પર બેસે તો ઊભા થતી વખતે અંધારા આવી શકે છે.
Read Original Article →