રિઝર્વ પ્લોટમાં ઓદ્યોગિક એકમ બનાવવાની કામગીરીનો વિરોધ:થલતેજમાં ભાજપના કોર્પોરેટર અને સ્થાનિકોની રજૂઆત બાદ કામ બંધ કરાયું, અગરબત્તીનું કારખાનું બનાવવા વૃક્ષો કાપી નાખ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મંદિરોમાંથી ફૂલો એકત્રિત કરીને અગરબત્તી બનાવવા થલતેજ વિસ્તારમાં આવેલા એવલોન હોટલ પાસે કારખાનું બનાવવામાં આવી રહ્યું છે. જેનો સ્થાનિક નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. થલતેજ અવલોન હોટલ રોડ પર આવેલી શાલીગ્રામ સોસાયટીના સ્થાનિક રહીશોએ થલતેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આ ઔદ્યોગિક કારખાનું બંધ કરવા માટે રજૂઆત કરી હતી. ભાજપના કોર્પોરેટર હિતેશ બારોટ દ્વારા આ કામગીરીને અટકાવવા માટે એસ્ટેટ વિભાગને જાણ કરી દીધી છે. અગરબત્તીનું કારખાનું બનાવવાની કામગીરી બંધ કરાવવામાં આવી છે. કારખાનું બનાવવા વૃક્ષો કાપી નાખ્યા
થલતેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર હિતેશ બારોટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગરબત્તી બનાવવા માટેનું કારખાનું બનાવવા 10,000 ચોરસ મીટર પ્લોટ ફાળવવામાં આવ્યો છે અને તેના માટે મોટી સંખ્યામાં વૃક્ષો પણ કાપવામાં આવ્યા હોવાની મને જાણ થઈ હતી. સ્થાનિકોએ પણ આનો વિરોધ કર્યો છે જેના પગલે તાત્કાલિક ધોરણે આ બાબતે એસ્ટેટ વિભાગને મેં સુચના આપી દીધી છે અને કામગીરી અટકાવી દેવામાં આવી છે. મનપાને લેખિતમાં રજૂઆત કરી હતી
અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેણાંક ઝોનમાં ચાલી રહેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓને લઈને સ્થાનિક રહીશો દ્વારા ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. થલતેજ વિસ્તારની આસપાસ 50થી વધુ સોસાયટીઓના રહીશોએ ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્થાનિકોએ ભગુભાઈ પટેલ (શાલિગ્રામ-3), મનસુખભાઈ વઘાસીયા, પ્રભુદાસ પટેલ (પારસમણિ), શૈલેન્દ્રભાઈ પુરોહિત અને ભરતભાઈ જાસોલીયા સહિતના આગેવાનો દ્વારા મ્યુનિસિપલ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. 'પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થશે'
રહેવાસીઓ દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે ટી.પી. સ્કીમ નં. 37 (થલતેજ)ના ફાઇનલ પ્લોટ નં. 122 અને 123 જે વિસ્તાર રહેણાંક ઝોન હેઠળ આવે છે, ત્યાં સિવિક સેન્ટર માટે અનામત પ્લોટોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓના કારણે વિસ્તારમાં અવાજ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ટ્રાફિક જેવી અનેક સમસ્યાઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં એર ક્વાલિટી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે ત્યારે 200થી વધુ વૃક્ષોનું નિકંદન કર્યું છે. 'રીઝર્વ પ્લોટમાં ઔધોગિક પ્રવૃતિ ચાલુ'
થલતેજ વિસ્તારમાં શાલીગ્રામ સોસાયટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આપવામાં આવેલા પત્રમાં જણાવાયું હતું કે ફાઇનલ પ્લોટ નં. 122 અને 123 ચારેય તરફ આવેલા રહેણાંક સોસાયટી વિસ્તારની વચ્ચે આવેલ સીવીક સેન્ટરના હેતુ માટેના રીઝર્વ પ્લોટમાં ઔધોગિક પ્રવૃતિ ચાલુ કરવામાં આવી છે અને કન્ટ્રક્શનની કામગીરી શરૂ થઈ છે. આ વિસ્તારની આજુબાજુની રહેણાંક સોસાયટીઓને અડચણરૂપ તથા પ્રદુષણ થાય અને આ વિસ્તારનો એર ક્વોલીટી ઇન્ડેક્સ વધી જશે. જેથી આ કામ તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી માંગણી છે. રહીશોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી
થલતેજના રહેણાંક વિસ્તારમાં આખા પશ્ચિમ વિસ્તારમાંથી ફૂલો એક્ત્રીત કરી અગરબત્તી બનાવવાની કામગીરી કરવાની છે. જે ઔધોગીક પ્રવૃતિનું કામ હાલ પ્રાથમિક તબક્કામાં છે. તો તાત્કાલિક કામ બંધ કરવુ અને બીજે ઔધોગિક વિસ્તારમાં શીફટ કરવા સ્થાનિકની માંગણી છે. આ અરજીને ધ્યાનમાં લેવામાં નહી આવે અને ઔધોગિક કન્ટ્રક્શન કામ બંધ કરવામાં નહી આવે તો ઔધોગીક કામ ચાલુ કર્યા પછી રહેણાંકની સોસાયટીના રહીશો ગાંધી ચીધ્યાં માર્ગે આંદોલન કરવામાં આવશે. આ રજૂઆતની નકલ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર, થલતેજના આસિસ્ટન્ટ ડેપ્યુટી કમિશનર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટીના રહીશો દ્વારા ભાજપના કોર્પોરેટર હિતેશ બારોટને રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક ધોરણે કોર્પોરેટર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને જાણ કરી દેવામાં આવી છે અને આ કામગીરી બંધ કરાવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન નો ખુબ મોટો પ્લોટ છે અને જ્યાં વૃક્ષો કાપી અને કારખાનું બનાવવામાં આવી રહ્યું હતું. ત્યાં ફરીથી વૃક્ષો ઉગાડવામાં આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવી શકે છે.
Read Original Article →